Mon Dec 22 2025

Logo

White Logo

ફિલ્મનામા : ઈન્ડિયન પ્રિડેટર… દિલ્હીનો કસાઈ

3 days ago
Author: chandrakant Kanoja
Video

દિલ્હી, 2006.
એક વહેલી સવારે દિલ્હી પોલીસને ખબર મળે છે કે બદનામ તિહાર જેલના ગેટ નં. 3 નજીક વાંસના એક ટોપલામાં માથાં વગરનું ધડ અને અંગો મળ્યાં છે. પોલીસનું એલર્ટ મોડમાં આવી જવું સ્વાભાવિક હતું. ખુદ દિલ્હી પોલીસને સૌથી વધુ અપસેટ કરી જનારી વાત તો એ હતી કે, લોહીનું ટીપું પણ ન ટપકે એ રીતે પેક કરેલી બોડી સાથે હાથે લખેલી એક નોંધ મળી હતી, જે પ્રાથમિક રીતે જ સ્પષ્ટ કરતી હતી, આ ચિઠ્ઠી હત્યારાએ જ લખી છે. 

એ નોટસમાં હત્યારાએ દિલ્હી પોલીસ માટે ‘મા-બહેન’ વાળા અપશબ્દો લખીને પડકાર ફેંકતા લખેલું: લિખિતંગ તમારો બાપ અને બનેવી. ઈન્સલ્ટિંગ ટોન સાથે પડકાર ફેંકતી એ ધમકી ભરી ચિઠ્ઠી પોલીસે જાહેર કરી નહોતી, તેના બે કારણ હતાં: એક, આ ચિઠ્ઠી ખુદ દિલ્હી પોલીસ માટે બદનામીનો ઢંઢેરો હતો અને બે, ચિઠ્ઠીની લખાવટ, વપરાયેલા શબ્દોના એનાલિસિસથી હત્યારાનું પગેરું પકડવાનું હતું, પરંતુ...

ત્રણ દિવસ પછી એ ચિઠ્ઠી અને તેમાં અપાયેલો પડકાર દિલ્હીના એક અખબારમાં છપાઈ ગયો તેથી પોલીસ બેડામાં ગરમી આવી ગઈ છતાં એ ય સત્ય રહ્યું કે, દિલ્હી પોલીસ ન હત્યારાને પકડી શકી અને ન તો જેનું ધડ મળેલું તેની પિછાણ પામી શકી.

ચિઠ્ઠી પરથી એટલું તો સ્પષ્ટ થયું કે આ ભાષા બિહારીઓ વાપરતા હોય છે, પરંતુ દિલ્હી, મુંબઈ જેવા મેટ્રોમાં યુ.પી.-બિહારથી એટલા લોકો મહેનત-મજૂરી કરવા આવતા હોય છે કે તેમાંથી નામ-ઠામ-ચહેરા વગરનો હત્યારો શોધવો મુશ્કેલ બની જાય.
 
બીજી ટિપ્સ એ મળેલી કે હત્યારાએ આ અગાઉ 1998માં પણ આ રીતે કતલ કરી હોવાનું લખેલું, એ વાત સાચી હતી. એ વરસમાં આવી હાથ-પગ કાપેલી એક લાશ મળી પણ હતી પણ એ ફાઈલ ‘અનટ્રેસેબેલ’ ગણીને અભેરાઈ પર ચડાવી દેવામાં આવી હતી. આમ પણ, તળેટીમાં રહેનારા લોકો હત્યા કરે યા આવા વર્ગમાં કોઈની હત્યા થાય ત્યારે પોલીસને તે ઉકેલવામાં ખાસ રસ હોતો નથી. વીઆઈપીની વાત હોય તો પરિસ્થિતિ અલગ હોય છે, પરંતુ...

આવી જ ઘટનાનું પુનરાવર્તન બે વરસ પછી, 2008માં થયું અને સતત બે મહિના સુધી થયું એટલે દિલ્હી પોલીસનું માથું ઠનક્યું કે દિલ્હીમાં આવો કસાઈ કોણ છે... ક્યાં છે અને ક્યાંનો છે?
‘નેટફ્લિક્સ’ પર ફિલ્મો ઉપરાંત વેબસિરીઝની જેમ અફલાતૂન ડોક્યુમેન્ટરી પણ સ્ટ્રીમ થતી રહે છે અને ત્રણ એપિસોડની મુકાયેલી ડોક્યુમેન્ટરીનું નામ છે: 

‘ઈન્ડિયન પ્રિડેટર: ધ બુચર ઓફ દિલ્હી’ (ભારતીય શિકારી: દિલ્હીનો કસાઈ).
‘ક્રાઈમ પેટ્રોલ’ જેવી ટીવી સિરિયલ થોડાં વરસો અગાઉ સત્ય ઘટનાને કથાનું સ્વરૂપ આપીને રજૂ કરતી હતી (હવે એમાં કપોળ કલ્પિત ઘટનાઓ હોય છે. શરૂઆતની સૂચના વાંચી લેવી!) કથાને તમે રસપ્રદ બનાવી શકો, પરંતુ ડોક્યુમેન્ટરી બોરિંગ યા એકેડેમિક હોવાથી શુષ્ક થઈ શકે છે પણ ‘ઈન્ડિયન પ્રિડેટર’ (ડિરેક્ટર: આયેશા સુદ) તમને બીજા એપિસોડ જોવા માટે ઉશ્કેરે એવી ટાઈટ-ચુસ્ત રીતે બનાવવામાં આવી છે. 

બેશક,‘દિલ્હીના કસાઈ’ તરીકે જાણીતા બનેલા બિહારના ચંદ્રકાંત ઝાને દિલ્હી પોલીસે અંતમાં પકડી લીધેલો અને એ પછી તેના વતનના લોકોએ કહેલી વાતો સાચી માનીને તો એણે ચાલીસથી વધુ હત્યા આ રીતે કરી હતી. મોટાભાગની હત્યાઓ તેણે પોતાના પરિચિતોની જ કરી હતી. હા, પ્રથમ હત્યા કરવાનું કારણ અલગ હતું.

‘ઈન્ડિયન પ્રિડેટર’ ડોક્યુમેન્ટરી જોવાનું આકર્ષણ એટલે જળવાય રહે છે કે તેના પોપડાં થ્રિલરની જેમ એક પછી એક ઉખડતાં જાય છે. દર્શક તરીકે આપણે પણ ખેંચાતા રહીએ છીએ અને અંતમાં એ વાત પણ સમજાય છે કે, પોલીસ આવા રહસ્યમય કેસમાં (ધારે તો) કેવી રીતે પગેરું પકડીને ‘કસાઈ’ સુધી પહોંચી શકે છે. 

એક સ્પષ્ટતા સાથે તમને ‘ઈન્ડિયન પ્રિડેટર’ જોવા માટે ફ્રી કરી દઈએ. ચંદ્રકાંત ઝા નામના કસાઈએ જે કર્યું, એ 2006 થી 2008 વચ્ચેનો સમયગાળો હતો અને ત્યારે દિલ્હીમાં હરેક વિસ્તાર યા તિહાર જેલ જેવી જગ્યાએ પણ સીસી ટીવી કેમેરા લાગેલા રહેતા નહોતા નહીંતર તો...
તમે સમજી શકો છો: કેટલા જીવ બચી ગયા હોત!