Tue Dec 23 2025

Logo

White Logo

વર્લ્ડ હેરિટેજ સિટીનું અમૂલ્ય ઘરેણું: : જાણો અમદાવાદની સૌથી સુંદર મસ્જિદોમાં સ્થાન પામતી ‘રાણી રૂપવતીની મસ્જિદ’ વિશે...

2 hours ago
Author: Devayat Khatana
Video

અમદાવાદ: યૂનેસ્કો દ્વારા જાહેર કરાયેલા વિશ્વ વિરાસત શહેર અમદાવાદના કોટ વિસ્તારમાં અનેક ઐતિહાસિક ઈમારતો આવેલી છે, પરંતુ દિલ્હી દરવાજાની ઉત્તર-પશ્ચિમ દિશામાં સ્થિત 'રાણી રૂપવતીની મસ્જિદ' તેની અદભૂત સ્થાપત્યકલાને કારણે પ્રવાસીઓ અને ઈતિહાસપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. સુલતાન મુઝફ્ફર શાહ પ્રથમના શાસનકાળ દરમિયાન નિર્મિત આ સંકુલમાં ભવ્ય મસ્જિદની સાથે રાણી રૂપવતીનો રોજો (મકબરો) પણ આવેલો છે. શહેરની સૌથી સુંદર મસ્જિદોમાં જેની ગણના થાય છે, તે આ સ્થાપત્ય પથ્થરોમાં કંડારેલી એક જીવંત કવિતા સમાન ભાસે છે.

હિન્દુ-ઇસ્લામિક સ્થાપત્ય કળાનો સંગમ
આ મસ્જિદની સ્થાપત્ય શૈલી હિન્દુ અને ઇસ્લામિક બાંધકામ કળાનો અનોખો સંગમ છે. તેના મધ્યમાં એક ઊંચી કમાન છે, જેની બંને બાજુએ કલાત્મક મિનારાઓ આવેલા છે. મસ્જિદની છત પર ત્રણ વિશાળ ગુંબજ છે, જે નીચે બાર-બાર સ્તંભોના ટેકા પર ઉભા છે. આ સ્તંભોની ગોઠવણી એવી રીતે કરવામાં આવી છે કે અંદરના ભાગમાં સુંદર અને સુવ્યવસ્થિત રસ્તાઓ (Aisles) બને છે. મસ્જિદના પ્રવેશદ્વારની આસપાસ નાની કમાનો, સુંદર ઝરૂખાઓ અને બારીક કોતરણીવાળી પથ્થરની જાળીઓ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે.

મસ્જિદની આંતરિક રચનામાં પ્રકાશની વ્યવસ્થા પણ વિશેષ આકર્ષણ ધરાવે છે. મધ્ય ભાગમાં આવેલી ઊંચી ગેલેરી અને તેની બારીઓ એવી રીતે ગોઠવાયેલી છે કે જે સૌથી ઊંચા ગુંબજની નીચે કુદરતી પ્રકાશ ફેંકે છે. મસ્જિદની અંદરની પાછળની દીવાલમાં સફેદ આરસના ત્રણ સુંદર કોતરણીવાળા 'મિહરાબ' છે, જે ગુંબજની બરાબર નીચે લાઇનમાં ગોઠવાયેલા છે. જોકે સમયની સાથે મિનારાઓનો ઉપરનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો છે, તેમ છતાં તેની સમૃદ્ધ સજાવટ અને કોતરણી આજે પણ અમદાવાદના ભવ્ય ઈતિહાસની સાક્ષી પૂરે છે.