Tue Dec 23 2025

Logo

White Logo

મેયર પ્લેટફોર્મ પર જોતા રહી ગયા અને ટ્રેન ઊપડી ગઈ! : મેક્સિકોમાં VIP કલ્ચરને મરણતોલ ફૂંક...

mexico   1 hour ago
Author: Devayat Khatana
Video

મેક્સિકો: ભારતમાં વિકાસકાર્યનું ઉદ્ઘાટન હોય એટલે નેતાઓ અને રાજકારણીઓને જશ ખાટવા માટે તલપાપડ હોય છે. આ માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે, રસ્તાઓ બંધ કરી દેવામાં આવે, આ બધાને કારણે હેરાનગતિ ભોગવવાનો વારો સામાન્ય માણસને જ આવે છે. પરંતુ મેક્સિકોનો એક કિસ્સો સામે આવ્યો છે કે ટ્રેનના ઉદ્ઘાટન સમયે મેયર પહોંચે તે પહેલા જ ટ્રેન શરૂ થઈ ગઈ હતી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.  

ઘટના એવી હતી કે જ્યારે પ્રથમ મુસાફરી માટે ટ્રેન ઉપડવાનો સમય થયો, ત્યારે મેયર ક્વિરિનો વેલાઝક્વેઝ થોડા મોડા પડ્યા હતા. તેઓ પોતાની ટીમ સાથે દોડતા-દોડતા પ્લેટફોર્મ પર પહોંચ્યા અને ટ્રેનમાં ચઢવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમના પહોંચતા પહેલા જ ટ્રેનના દરવાજા બંધ થઈ ગયા. નિયમોનું ચુસ્ત પાલન કરતી આ ટ્રેન મેયરની રાહ જોયા વગર જ નક્કી કરેલા સમયે સ્ટેશન છોડીને રવાના થઈ ગઈ હતી, અને મેયર પ્લેટફોર્મ પર જ ઊભા રહી ગયા હતા.


આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને તેનો વીડિયો ટૂંક જ સમયમાં સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ ગયો હતો. ખાસ કરીને ભારતમાં આ વીડિયો લાખો લોકોએ જોયો છે અને નેટીઝન્સ તેને ભારતીય 'VIP કલ્ચર' સાથે સરખાવી રહ્યા છે. ઘણા યુઝર્સે કોમેન્ટમાં લખ્યું કે જો ભારત હોત તો પ્રધાન માટે ટ્રેનને રોકી રાખવામાં આવી હોત. લોકોએ મેક્સિકોની આ ટ્રેન સર્વિસની સમયપાલન માટે ભારે પ્રશંસા કરી હતી. ભલે ઘટનામાં તેની મજાક ઊડી છતાં, મેયરે આ બાબતને ખૂબ જ ખેલદિલીથી લીધી હતી. તેમણે પોતે જ આ વીડિયો શેર કરતા રમૂજમાં લખ્યું કે, 'ચિંતા કરશો નહીં, બીજી ટ્રેન માત્ર 9 મિનિટમાં આવી જશે.'