અમદાવાદઃ શહેરના દાણીલીમડા વિસ્તારમાં માનસિક દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ બાદ લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. શહેર ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં રીઢા ગુનેગાર મોઈનુદ્દીનને પોલીસે ઝડપી પાડ્યો હતો. ગુનાની ગંભીરતાને જોતાં, કોર્ટે શુક્રવારે પૂછપરછ માટે છ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા. ચાર દિવસ પહેલા દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ કમિશનર જી.એસ. મલિકે યોગ્ય તપાસ માટે કેસ સિટી ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યો હતો.
અધિકારીઓએ તપાસ દરમિયાન ગુનાનું સ્થળ શોધી કાઢ્યું હતું. આરોપી મોઈનુદ્દીન પીડિતાને આ સ્થળે લઈ આવ્યો હતો. સૂત્રો મુજબ મોઇનુદ્દીને યુવતીને તેના ઘરની આસપાસ ખાંસી ખાતી ભટકતી જોઈ હતી. દવા અપાવવાના બહાને તેણે યુવતીને પોતાની બાઇક પર બેસાડી લલચાવી હતી. જોકે, દવા આપવાને બદલે તે તેને ખાલી બિલ્ડિંગમાં લઈ ગયો હતો. જે બાદ દુષ્કર્મ આચરીને તેણે યુવતીને તેના ઘરથી થોડે દૂર છોડી દીધી હતી.
પોલીસ તપાસમાં મોઇનુદ્દીનનો ગુનાહિત રેકોર્ડ સામે આવ્યો હતો. તેની સામે 16 ગંભીર ગુનાહિત કેસ નોંધાયેલા છે અને તેને બે વખત પાસા હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યો છે. સમાજ માટે ઊભા થતા જોખમને કારણે તેની સામે તડીપારની કાર્યવાહી પણ થઈ ચૂકી છે. સૂત્રોએ જણાવ્યું કે આરોપીનો ભૂતકાળનો રેકોર્ડ એક સ્પષ્ટ ચેતવણી હતી. ધીમે ધીમે તે વિકૃતિ તરફ વળી ગયો હતો.
તપાસકર્તાઓ હવે શું થયું તે અંગેની માહિતી એકઠી કરશે, ફોરેન્સિક પુરાવા એકત્ર કરશે અને ગુનાની પેટર્ન જાણવા માટે મોઇનુદ્દીનના ભૂતકાળના વર્તનની તપાસ કરશે. આ ઉપરાંત દુષ્કર્મમાં તેની સાથે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે પણ ચકાસણી કરશે. આ ઘટના બાદ પીડિતાનો પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. પડોશીએ યુવતીને નિર્દોષ અને ભોળી તરીકે વર્ણવી હતી.