અમદાવાદ: આગામી દિવસોમાં આવી રહેલા મકરસંક્રાંતિ, પ્રજાસત્તાક દિન, વસંત પંચમી અને મહાશિવરાત્રી જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા એક મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગુપ્તચર સંસ્થાઓના અહેવાલો મુજબ, અસામાજિક કે આતંકવાદી તત્વો શહેરમાં રહેણાંક વિસ્તારોમાં ગુપ્ત રીતે આશરો લઈ જાહેર શાંતિનો ભંગ કરી શકે તેવી શક્યતા છે. આ જોખમને ટાળવા અને સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે હવેથી કોઈપણ મકાનમાલિક, ઓફિસ કે ગોડાઉન માલિકે ભાડૂતોની સંપૂર્ણ વિગત સંબંધિત પોલીસ સ્ટેશનમાં નોંધાવવી ફરજિયાત રહેશે.
આદેશ અનુસાર, અમદાવાદ શહેરના તમામ મકાન, ઔદ્યોગિક એકમો, દુકાનો કે કોલ્ડ સ્ટોરેજના માલિકોએ ભાડૂતનું નામ, કાયમી સરનામું, ફોટો, અને ઓળખના પુરાવા જેમ કે પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ કે પાનકાર્ડ પોલીસને આપવાના રહેશે. આ ઉપરાંત, મકાન માલિક અને ભાડૂત વચ્ચે સંપર્ક કરાવનાર મધ્યસ્થી કે એજન્ટની માહિતી પણ પુરાવા સાથે જમા કરાવવી પડશે, જેથી શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખી શકાય. આ જાહેરનામું ૨૭ ફેબ્રુઆરી સુધી એટલે કે 60 દિવસ માટે અમલમાં રહેશે.
આ જાહેરનામું ૨૭ ફેબ્રુઆરી સુધી એટલે કે 60 દિવસ માટે અમલમાં રહેશે. જો કોઈ મકાનમાલિક કે સંચાલક આ આદેશનું ઉલ્લંઘન કરશે, તો તેની સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. શહેરના હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના દરજ્જાના તમામ અધિકારીઓને આ નિયમનો ભંગ કરનારાઓ સામે ફરિયાદ નોંધવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.