અમદાવાદ: નવા વર્ષની શરૂઆતે ગુજરાત સરકારે વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરતા અનેક આઈએએસ અધિકારીઓને બઢતીની ભેટ આપી હતી. રાજ્ય સરકાર દ્વારા કુલ 5 આઈએએસ અધિકારીઓને એપેક્સ સ્કેલમાં, 2 અધિકારીઓને હાયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડમાં અને 7 અધિકારીઓને સુપર ટાઈમ સ્કેલમાં બઢતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, અન્ય 35 અધિકારીઓને પણ સિલેક્શન ગ્રેડ, જુનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડ અને સીનિયર ટાઈમ સ્કેલમાં બઢતી આપવામાં આવી હતી.
મુખ્ય ફેરફારોમાં 1996 બેચના 5 વરિષ્ઠ સચિવોને હવે અધિક મુખ્ય સચિવ તરીકે બઢતી આપવામાં આવી છે. જેમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મોના ખંધાર, નાણાં વિભાગના ડો. ટી. નટરાજન, આરોગ્ય વિભાગના રાજીવ ટોપનો, ઉદ્યોગ અને ખાણ વિભાગના મમતા વર્મા તથા શિક્ષણ વિભાગના મુકેશ કુમારનો સમાવેશ થાય છે. આ તમામ અધિકારીઓ હવે તેમના સંબંધિત વિભાગોમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે ફરજ બજાવશે. આ સાથે જ 2001 બેચના આરતી કંવર અને વિજય નહેરાને પ્રિન્સિપાલ સેક્રેટરીના રેન્કમાં બઢતી આપવામાં આવી છે.
સુપર ટાઈમ સ્કેલ હેઠળ બઢતી મેળવનારા અધિકારીઓમાં અમદાવાદના કલેક્ટર સુજીત કુમાર અને કચ્છ-ભુજના કલેક્ટર આનંદ પટેલનો સમાવેશ થાય છે, જેઓ પોતાની વર્તમાન જવાબદારીઓ ચાલુ રાખશે. આ યાદીમાં ભાવનગરના મ્યુનિસિપલ કમિશનર ડો. નરેન્દ્ર કુમાર મીના, ટેકનિકલ શિક્ષણ નિયામક બી. એચ. તલાટી, માહિતી નિયામક કે. એલ. બચાણી અને પાટણ કલેક્ટર તુષાર ભટ્ટને પણ બઢતી આપવામાં આવી છે. વડાપ્રધાન કાર્યાલયમાં ફરજ બજાવતા ડો. હાર્દિક શાહને પણ ભારત સરકારમાં તેમની સેવાઓ યથાવત રાખીને પ્રોફોર્મા પ્રમોશન આપવામાં આવ્યું છે.