યુવકને ત્રણ કલાક સ્ટેશન માસ્ટરની ઑફિસમાં રોકી રખાયો: ત્રણેય ભાષામાં એનાઉન્સમેન્ટ કરાઈ હોવાનો રેલવે અધિકારીનો દાવો
થાણે: ભાયંદર રેલવે સ્ટેશને મરાઠીને બદલે માત્ર ઈંગ્લિશ અને હિન્દીમાં જ એનાઉન્સમેન્ટ શા માટે કરવામાં આવતી હોવાનું પૂછવા પર ત્રણ કલાક રોકી રાખી તેની ભારે સતામણી કરવામાં આવી હોવાનો દાવો યુવકે કર્યો હતો. જોકે રેલવેના અધિકારીએ આ દાવાને રદિયો આપતાં કહ્યું હતું કે વેસ્ટર્ન રેલવે દ્વારા ત્રણેય ભાષામાં એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે.
મળતી માહિતી અનુસાર યુવકની ઓળખ જિગર પાટીલ તરીકે થઈ હતી. પાટીલે દાવો કર્યો હતો કે સ્ટેશન પર મરાઠીમાં એનાઉન્સમેન્ટ થતી ન હોવાથી ફરિયાદ કરવા તેણે સ્ટેશન માસ્ટર પાસે કમ્પ્લેઈન્ટ રજિસ્ટર માગ્યું હતું. આ વાતને લઈ ઊકળી ઊઠેલા સ્ટેશન માસ્ટરે ગુસ્સામાં પ્રતિસાદ આપ્યો હતો.
સ્ટેશન માસ્ટરે ધમકી પાટીલને ધમકી આપી હતી કે તેણે દલીલો કરવાનું ચાલુ રાખ્યું તો રેલવે પ્રોટેક્શન ફોર્સને બોલાવવામાં આવશે. પછી પાટીલે દાવો કર્યો હતો કે તેને સ્ટેશન માસ્ટરની રૂમમાં લઈ જવાયો હતો, જ્યાં તેને લગભગ ત્રણ કલાક સુધી રાહ જોતો બેસાડી રાખવામાં આવ્યો હતો.
આ અંગે રેલવેના અધિકારીએ ખુલાસો કર્યો હતો કે પાટીલે સ્ટેશન માસ્ટર સાથે ગેરવર્તન કર્યું હતું. તેની પાસે યોગ્ય ટિકિટ પણ નહોતી, જેને પગલે તેને સ્ટેશન પર બેસાડી રાખવામાં આવ્યો હતો.
વેસ્ટર્ન રેલવેના પ્રવક્તા વિનીત અભિષેકે જણાવ્યું હતું કે તેમના નેટવર્કમાં હંમેશાં મરાઠી, અંગ્રેજી અને હિન્દીમાં એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે. (એજન્સી)