Mon Dec 22 2025

Logo

White Logo

ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીન કાર્ડ અંગે લીધો બહુ મોટો નિર્ણય : ભારતીયોને શું થશે અસર ?

Washington DC   3 days ago
Author: MayurKumar Patel
Video

વોશિંગ્ટન ડીસીઃ  અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીન કાર્ડ અંગે મોટો નિર્ણય લીધો હતો.  તેનાથી ભારતીયો પર પણ અસર થઈ શકે છે. ટ્રમ્પે ગ્રીન કાર્ડ લોટરી (ડાઈવર્સિટી વીઝા પ્રોગ્રામ)ને સસ્પેન્ડ કર્યો હતો. બ્રાઉન યુનિવર્સિટી અને એમઆઈટીમાં થયેલી ફાયરિંગનો આરોપી આ કાર્યક્રમ દ્વારા જ અમેરિકા આવ્યો હતો. અમેરિકાના ગૃહ સુરક્ષા પ્રધાને સોશિયલ મીડિયા પર લખ્યું, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના નિર્દેશ પર તેમણે અમેરિકન સિટિઝિનશીપ અને ગ્રીન કાર્ડના આ કાર્યક્રમને કામચલાઉ ધોરણે સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. ક્રિસ્ટી નોઅમે કહ્યું કે, આ ખતરનાક વ્યક્તિને ક્યારેય આપણા દેશમાં આવવાની મંજૂરી ન આપવી જોઈએ.

ટ્રમ્પે આ નિર્ણયને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડીને કહ્યું કે, ગ્રીન કાર્ડ લોટરી જેવા કાર્યક્રમો દ્વારા અમેરિકા આવનારાના બેકગ્રાઉન્ડની તપાસ જરૂરી છે. વર્તમાન સિસ્ટમમાં ખામી છે, જેનો ખોટા ફાયદો ઉઠાવવામાં આવી શકે છે.

શું છે ગ્રીન કાર્ડ લોટરી

ગ્રીન કાર્ડ લોટરીને ડાયવર્સિટી વિઝા પ્રોગ્રામ પણ કહેવામાં આવે છે. તે દર વર્ષે હજારો લોકોને અમેરિકામાં કાયમી વસવાટની તક આપે છે. તેનો ઉદ્દેશ્ય એવા દેશોના નાગરિકોને તક આપવાનો છે, જ્યાંથી અમેરિકામાં ઓછી સંખ્યામાં સ્થળાંતર કરનારાઓ આવે છે.

ડાયવર્સિટી વિઝા પ્રોગ્રામ હેઠળ, દર વર્ષે લોટરી દ્વારા  આશરે 50 હજાર ગ્રીન કાર્ડ આપવામાં આવે છે. જે લોકોની અમેરિકામાં વસ્તી ઓછી છે તેમને પ્રાથમિકતા આપવામાં આવે છે. આમાં આફ્રિકાના અનેક દેશોનો સમાવેશ થાય છે. વર્ષ 2025ની વિઝા લોટરી માટે લગભગ 2 કરોડ લોકોએ અરજી કરી હતી. જેમાંથી 1.31 લાખથી વધુ લોકોની પસંદગી કરવામાં આવી હતી.  પસંદગી થયા બાદ તમામ અરજદારોની સુરક્ષા તપાસ કરવામાં આવે છે, ત્યારબાદ જ તેમને અમેરિકામાં પ્રવેશવાની મંજૂરી મળે છે. અમેરિકામાં દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીયો ગ્રીન કાર્ડ માટે અરજી કરે છે, આ લોકોને પણ અસર થઈ શકે છે.