અમદાવાદઃ રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. પવનોની દિશા બદલાતા રાજ્યમાં ઠંડી વધી હતી. વહેલી સવારે અને સાંજે કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ડિસેમ્બર અંતમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે. કચ્છના નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. સૌરાષ્ટ્રમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. રાજકોટ, જામનગર, પોરબંદર અને જૂનાગઢમાં તાપમાન નીચે ગયું હતું.
નલિયામાં નોંધાયું સૌથી ઓછું તાપમાન
નલિયામાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સિઝનમાં પ્રથમ વખત નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત અમરેલીમાં 11.44 ડિગ્રી, કંડલા એરપોર્ટ પર 11.7 ડિગ્રી, વડોદરામાં 12 ડિગ્રી, રાજકોટમાં 12.5 ડિગ્રી, ગાંધીનગરમાં 13 ડિગ્રી, ડિસામાં 12.7 ડિગ્રી, મહુવામાં 12.7 ડિગ્રી, કેશોદમાં 12.3 ડિગ્રી, અમદાવાદમાં 13.4 ડિગ્રી, વિદ્યાનગરમાં 14.4 ડિગ્રી, ભુજમાં 14.6 ડિગ્રી, ભાવનગરમાં 14.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 14.2 ડિગ્રી, દીવમાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી દિવસોમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવન ફૂંકાશે. આગામી 5 દિવસ સુધી લઘુતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જેના કારણે ઠંડીનો અનુભવ સતત ચાલુ રહેશે.સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતભરમાં હવામાન શુષ્ક રહ્યું હતું. સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. બાકીના પ્રદેશમાં કોઈ મોટો ફેરફાર થયો નથી.
અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડી વચ્ચે વાવાઝોડાની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, ડિસેમ્બરના અંતમાં બંગાળમાં એક સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે હળવું ચક્રવાત બની શકે છે. 24 ડિસેમ્બરના રોજ અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. બંગાળ અને અરબ સાગરમાં સિસ્ટમને કારણે 22 ડિસેમ્બર પછી માવઠું પડી શકે છે. 16-17 તારીખે પણ વાદળો ઘેરાવાની શક્યતા રહેશે. 22 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે અને ઠંડા પવનો ફૂંકાશે. રાજ્યમાં કડકડતી ઠંડી પડશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં પશ્ચિમી વિક્ષેપ આવવાનો છે. જેના કારણે છ જાન્યુઆરી સુધીમાં ફરીથી વાદળછાયું વાતાવરણ રહેશે.
દેશના અન્ય રાજ્યોમાં કેવું છે હવામાન
ઉલ્લેખનીય છે કે માત્ર ગુજરાત જ નહીં દેશના અનેક રાજ્યોમાં ઠંડીનો પારો ગગડ્યો છે. ઘણા રાજ્યોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે પહોંચ્યું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશમાં તીવ્ર ઠંડીની ચેતવણી આપવામાં આવી છે.