ઓકલેન્ડમાં સ્થાનિકોએ 'હાકા' નૃત્ય સાથે અટકાવ્યો રસ્તો; કહ્યું- 'આ ભારત નથી, ન્યૂઝીલેન્ડ છે'
ઓકલેન્ડ: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં શીખ સમુદાયના નગર કીર્તન પર સ્થાનિક લોકોએ ભારે વિરોધ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ‘આ ભારત નથી... ન્યૂઝીલેન્ડને ન્યૂઝીલેન્ડ જ રહેવા દો’ જેવા નારા લગાવીને સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. સ્થાનિક લોકોએ શીખ સમુદાયના નગર કીર્તનનો રસ્તો અટકાવ્યો હતો. આ ઘટના સાઉથ ઓકલેન્ડના મુનરેવા વિસ્તારમાં બની હોવાનું જાણવા મળ્યું છે. અહીં સ્થાનિકોએ માઓરી સંસ્કૃતિના પરંપરાગત ‘હાકા’ પ્રદર્શન પણ કર્યું હતું. જોકે, પંજાબના મુખ્ય પ્રધાને આ ઘટનાને વખોડી નાખી હતી.
શનિવારે ગુરુદ્વારા નામકસર ઠાઠ ઈશર દરબારથી શરૂ થયેલું નગર કીર્તન વિસ્તારમાં ફરીને પાછું ફરતું હતું. ત્યારે અચાનક સ્થાનિક લોકોએ એકઠા થઈને રસ્તો બંધ કરી દીધો હતો. આ લોકોના હાથમાં બેનર હતા, જેમાં‘આ અમારી જમીન છે, આ અમારો અડગ અભિગમ છે’ જેવા નારાએ લખવામાં આવ્યાં હતાં. શીખ સમુદાયના લોકોએ આ દરમિયાન સંયમ રાખ્યો, જેના કારણે કોઈ ભારે બબાલ થઈ નહોતી. એટલું જ નહીં પરંતુ પોલીસે સમયસર પહોંચીને પ્રદર્શનકારીઓને હટાવી દીધા હતાં. પરંતુ આ ચિંતાનો વિષય છે. વિદેશમાં ભારતનો વિરોધ થવો ચિંતાની વાત છે.
આ મામલે પંજાબના સીએમે આપી પ્રતિક્રિયા
પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને આ ઘટના પર આકરી પ્રતિક્રિયા આપી છે. મુખ્ય પ્રધાન ભગવંત માને કહ્યું હતું કે ન્યૂઝીલેન્ડ જેવા વિકસિત દેશોમાં આવું થાય તેવી અપેક્ષા નહોતી. દરેકને તેમના ધર્મનો પ્રચાર-પ્રસાર કરવાનો પૂરો અધિકાર છે.’ તેમણે કેન્દ્ર સરકારને ન્યૂઝીલેન્ડ સરકાર સાથે વાત કરવાની સલાહ આપી અને રાજદૂત સમક્ષ આ વાંધો ઉઠાવવાની માંગણી પણ કરી છે. .
આ ઘટના ન્યૂઝીલેન્ડમાં વધતા સ્થાનિક-પ્રવાસી તણાવનું કારણ બની છે. સ્થાનિક માઓરી અને અન્ય સમુદાયો ભારતીયોના વધતા પ્રભાવથી ચિંતિત દેખાય છે. શીખ કોમ્યુનિટીના નેતાઓએ પોલીસ અને સરકાર પાસે રક્ષણની માંગ કરી છે. આ મામલે ન્યૂઝીલેન્ડ પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
ન્યૂઝીલેન્ડના લોકોએ આ મામલે શું કહ્યું?
આ સમગ્ર મામલે ન્યૂઝીલેન્ડના લોકોએ કહ્યું કે, અમે વ્યાજબી સવાલ કરી રહ્યાં છીએ, આપણાં રસ્તાઓ પર ધારદાર હથિયારો લઈને ફરવું એ કેટલું યોગ્ય છે? ન્યૂઝીલેન્ડ માટે આ કોઈ સામાન્ય વાત નથી. વધુમાં કહ્યું કે, હાકા નૃત્ય નફરત નથી. આ એક લક્ષ્મણ રેખા છે. આ એક પડકાર છે. ન્યૂઝીલેન્ડ એક ખ્રિસ્તી રાષ્ટ્ર છે. અને રસ્તા પર ધારદાર હથિયારો લઈને ચાલવું એ ન્યૂઝીલેન્ડની જીવનશૈલી નથી. આ દરમિયાન કોઈ હિંસા કે રમખાણ થયા નથી, મારા યુવાનો બસ સામસામે ઊભા રહીને હાકા નૃત્ય કરી રહ્યા હતાં.