Thu Dec 11 2025

Logo

White Logo

ચૂંટણી પંચની આજે બેઠક : ગુજરાત સહિત 12 રાજ્યોમાં SIR ની વધી શકે છે સમય મર્યાદા

2 hours ago
Author: MayurKumar Patel
Video

નવી દિલ્હીઃ ચૂંટણી પંચ આજે SIR મુદ્દે મહત્ત્વની બેઠક કરશે. જેમાં ગુજરાત સહિત 12 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટણી અધિકારીઓ ઉપસ્થિત રહેશે. ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોમાં મતદાર યાદીની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે. આ સ્થિતિમાં ચૂંટણી પંચ આ રાજ્યોમાં સમય મર્યાદા વધારી શકે છે. ચૂંટણી પંચ મુજબ, મતદાર યાદીને વધારે સચોટ બનાવવી પ્રાથમિકતા છે. 

આખરી મતદાર યાદી ક્યારે પ્રકાશિત થશે

ચૂંટણી પંચ તરફથી જાહેર કરાયેલા સુધારેલા કાર્યક્રમ અનુસાર, બૂથ સ્તરના અધિકારીઓ દ્વારા ઘરે-ઘરે જઈને કરવામાં આવતી મતદાર ગણતરી આજે 11 ડિસેમ્બર, 2025ના રોજ સમાપ્ત થઈ જશે. મતદાર યાદીનો ડ્રાફ્ટ 16 ડિસેમ્બર, 20255 રોજ પ્રકાશિત કરવામાં આવશે, જેના પછી નાગરિકો 16 ડિસેમ્બર, 2025 થી 15 જાન્યુઆરી, 2026ની વચ્ચે દાવાઓ અને વાંધાઓ રજૂ કરી  શકશે. દાવાઓ અને વાંધાઓનો નિકાલ તેમજ વિશેષ ચકાસણી અભિયાન 7 ફેબ્રુઆરી, 2026 સુધી ચાલુ રહેશે. આખરી મતદાર યાદી 14 ફેબ્રુઆરી, 2026ના રોજ પ્રકાશિત કરવામાં આવશે.


ગુજરાતમાં 99.99 ટકા કામગીરી

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR ઝુંબેશનો ગણતરીનો તબક્કો તા.11 ડિસેમ્બરના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. પરંતુ તે પહેલા જ BLO સ્તરથી લઈને CEO કચેરી સુધીના સમગ્ર ચૂંટણી સ્ટાફની મહેનત રંગ લાવી છે, જેના પરિણામે ગણતરીના તબક્કાની 99.99 % કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. તથા રાજ્યના તમામ 5.08 કરોડથી વધુ મતદારોની ચકાસણી પૂર્ણતાના આરે છે.

SIRની જાહેરાત બાદથી જ રાજ્યભરમાં 5.08 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મના વિતરણથી માંડી તેના ડિજીટાઈઝેશનની કામગીરી મિશન મોડ પર કરવામાં આવી રહી છે જે હવે પૂર્ણતના આરે છે. ગણતરીના તબક્કામાં રાજ્યના 17 જિલ્લાઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન દર્શાવી 100 ટકા કામગીરી પૂર્ણ કરી છે.

રાજ્યમાં અવલ્લી, વલસાડ, મહીસાગર, પાટણ,  બનાસકાંઠા,  સુરેન્દ્રનગર,  સાબરકાંઠા, આણંદ,  ગીર સોમનાથ,  દાહોદ, રાજકોટ, તાપી, ડાંગ, પોરબંદર, જૂનાગઢ, મોરબી, ખેડા જિલ્લામાં 100 ટકા કામગીરી થઈ છે. આમ, સરવાળે રાજ્યની કુલ 133 વિધાનસભા મતવિસ્તારમાં ચકાસણીની 100 ટકા કામગીરી સંપન્ન થઈ ચૂકી છે. વિવિધ કારણોથી પાછા ન મળેલા ફોર્મની ખરાઈ માટે બેઠકો યોજવામાં આવી રહી છે. આ બેઠકોના નિષ્કર્ષ રૂપે જે-તે વિધાનસભા મતવિસ્તારમાં ભાગ પ્રમાણે જે મતદારોના ફોર્મ પાછા નથી આવ્યા તેમની યાદી જિલ્લા ચૂંટણી અધિકારીઓની વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવી રહી છે.