Wed Jan 07 2026

Logo

White Logo

કર્ણાટક કોંગ્રેસમાં વર્ચસ્વની લડાઈ યથાવત! : સિદ્ધારમૈયા અને શિવકુમાર આજે દિલ્હીમાં હાઈકમાન્ડને મળશે

3 weeks ago
Author: Savan Zalariya
Video

દિલ્હી: કોંગ્રેસ હાઇકમાન્ડના નિર્દેશ પર કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યપ્રધાન ડીકે શિવકુમાર સવારના નાસ્તા માટે મળ્યા હતાં અને ત્યાર બાદ બંને એ જાહેર કર્યું હતું કે તેમની વચ્ચે કોઈ મતભેદ નથી. ત્યાર બાદ લાગી રહ્યું હતું કે બંને વચ્ચે ચાલી રહેલી વર્ચસ્વની લડાઈનો અંત આવી ગયો, પરતું એવામાં એહવાલ છે કે અંદરખાને આ લડાઈ હજુ પણ ચાલી રહી છે. આજે બંને નેતા દિલ્હીમાં પાર્ટીના ટોચના નેતૃત્વ સાથે બેઠક કરશે.

નોંધનીય છે કે આજે દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસે 'વોટ ચોર ગદ્દી છોડ' રેલીનું આયોજન કર્યું છે. સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર આ રેલીમાં સામેલ થશે, ત્યાર બાદ બંને નેતાઓ કોંગ્રેસ હાઈ કમાન્ડને મળશે.

ત્રણ અઠવાડિયા પહેલા કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે કર્ણાટકમાં નેતૃત્વમાં લડાઈનું મુદ્દો પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ વચ્ચે ચર્ચવામાં આવશે.

એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર કોંગ્રેસના દિલ્હીમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરશે. સુત્રોના જણાવ્યા મુજબ આ બેઠલ ખુબજ ટૂંકી હશે, પરંતુ કર્ણાટક કોંગ્રેસના ભવિષ્ય અંગે મહત્વપૂર્ણ રહેશે.

શું છે વિવાદ?

કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023માં કોંગ્રેસની જીત બાદથી બંને નેતાઓ વચ્ચે સતત વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે. કર્ણાટક કોંગ્રેસ સિદ્ધારમૈયા જૂથ અને ડીકે શિવકુમાર જૂથમાં વહેંચાઇ ગઈ છે, બંને જૂથોના વિધાનસભ્યો અને કાર્યકર્તાઓ વચ્ચે પણ અણબનાવની ઘટનાઓ અવારનવાર જાહેરમાં જોવા મળી છે.

20 નવેમ્બરના રોજ, જ્યારે કર્ણાટક સરકારે અઢી વર્ષ પૂર્ણ કર્યા, ત્યાર બાદથી બંને જૂથો એક બીજા સામે વધુ આક્રમક થઇ ગયા. શિવકુમારના સમર્થકોનું કહેવું છે કે વિધાનસભા ચૂંટણીમાં જીત પછી, નક્કી થયું હતું કે અઢી વર્ષ બાદ શિવકુમારને મુખ્ય પ્રધાન પદ સોંપવામાં આવશે. જ્યારે સિદ્ધારમૈયા જાહેરમાં કહી ચુક્યા છે કે તેઓ મુખ્ય પ્રધાન પદ પર પાંચ વર્ષની ટર્મ પૂરી કરશે.
 
સિદ્ધારમૈયા, શિવકુમાર કે કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય સત્તા હસ્તાંતરણની સમજુતી અંગે સત્તાવાર પુષ્ટિ કરી નથી.