રાજકોટઃ શહેરમાં 11 જાન્યુઆરીથી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ યોજાશે. જેને લઈ વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ પધારશે. રાજકોટમાં તેઓ રોડ શો કરશે. 11 તારીખે પીએમ મોદીનો જૂના એરપોર્ટથી મારવાડી યુનિવર્સિટી સુધીનો રોડ શો યોજાશે.રિજનલ વાઈબ્રન્ટ સમિટમાં યુક્રેન, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા જેવા અલગ અલગ દેશના પ્રતિનિધિઓ જોડાશે. 22 દેશના લોકો દ્વારા રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે.
આ અંગે પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં સાંસદો, રેન્જ આઈજી અને વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાન વાઘાણીએ જણાવ્યું હતું કે, 11 જાન્યુઆરીએ બપોરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ પધારશે અને જૂના એરપોર્ટથી તેમનું ભવ્ય સ્વાગત કરી એક શાનદાર રોડ-શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત તેમણે કહ્યું, વડા પ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે આની શરૂઆત કરી હતી. જે બાદ દેશના અન્ય રાજ્યો પણ શરૂઆત કરી છે. હાલ પણ ગુજરાત વિવિધ રાજયોને અહીં રોકાણ કરવા આમંત્રણ આપે છે. જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા જેવા દેશો મોટાભાગે રાજ્યોના વાઈબ્રન્ટ સમિટમાં હાજર રહેતા હોય છે પરંતુ રિજનલ સમિટમાં આવા દેશની હાજરી તેમનો વડા પ્રધાન મોદી પ્રત્યે વિશ્વાસ દર્શાવે છે.
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ સૌરાષ્ટ્રના ઉદ્યોગ જગત માટે વૈશ્વિક તકોના દ્વાર ખોલશે. આ સમિટ માટે અત્યાર સુધીમાં 6000થી વધુ ઉદ્યોગ સાહસિકો અને અગ્રણીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. 26400 ચોરસ મીટરમાં ટ્રેડ શો થશે. આ સમિટથી સૌરાષ્ટ્ર કચ્છના 2 લાખથી વધુ ઉદ્યોગકારોને ફાયદો થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતની પ્રથમ રિજનલ વાઇબ્રન્ટ સમિટ મહેસાણામાં યોજાયા બાદ હવે રાજકોટમાં યોજાઈ રહી છે ત્યારે તેમાં ખુદ વડા પ્રધાન આવી રહ્યા હોય તેમનું ભારતીય સાંસ્કૃતિક પરંપરા મુજબ સ્વાગત થશે.