Thu Jan 01 2026

Logo

White Logo

અમેરિકા પછી ચીન : બધાંને જશ ખાટવો છે પણ પુરાવા ક્યાં?

3 hours ago
Author: Mumbaisamachar Team
Video

ભરત ભારદ્વાજ


અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ ઓછા પડતા હતા તે હવે ઓપરેશન સિંદૂરના મામલે ચીન પણ મેદાનમાં આવ્યું છે. ટ્રમ્પ 8 મહિનાથી રેકર્ડ વગાડ્યા કરે છે કે, પહલગામ હુમલા પછી ભારતે પાકિસ્તાન પર હુમલો કરાવ્યો ત્યારે પોતે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યો હતો. ટ્રમ્પ અત્યાર લગીમાં 50થી વધુ વાર પોતે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યાની ફિશિયારી મારી ચૂક્યા છે. 


હવે ચીને પણ એ જ સૂર છેડીને કહ્યું છે કે,  ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને બંધ કરાવવામાં મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ  દાવો કર્યો છે કે, એપ્રિલ-મેમાં બંને દેશો સામસામે આવી ગયેલા અને યુદ્ધની નોબત આવી ગયેલી ત્યારે પોતે વચ્ચે પડીને તણાવ ઓછો કરવાનો પ્રયાસ કર્યો હતો.  વાંગ યીએ એવી ડંફાશ પણ મારી છે  કે, ચીન દુનિયામાં ઘણે ઠેકાણે સંઘર્ષો ટાળવામાં અને યુદ્ધોને રોકવામાં મદદ કરતું રહ્યું છે તેથી ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ઘટાડવા ચીને મધ્યસ્થી કરી હતી તેમાં કંઈ નવાઈ નથી. ચીનના વિદેશ મંત્રાલયે તેમના આ નિવેદનને સોશ્યલ મીડિયા પર મૂક્યું છે તેનો અર્થ એ થયો કે, ચીન સરકારનું આ સત્તાવાર વલણ છે. 


ભારત સરકારે રાબેતા મુજબ જ ચીનના દાવાને નકારી કાઢ્યો છે. ટ્રમ્પની  ફિશિયારી વખતે જ ભારતે ચોખવટ કરી દીધેલી કે, યુદ્ધવિરામમાં કોઈ પણ ત્રીજા દેશ કે પક્ષકારની  કોઈ ભૂમિકા નહોતી. સીધો ભારત અને પાકિસ્તાની લશ્કરના ડીજીએમઓની ટેલીફોનિક વચ્ચેની વાતચીતથી જ યુદ્ધવિરામ થયો હતો. ત્રીજા દેશ કે પક્ષકારની કોઈ ભૂમિકા નહોતી એવું ભારતે કહેલું તેમાં બધું જ આવી ગયેલું. તેમાં ચીન પણ આવી ગયું ને અમેરિકા પણ આવી ગયું ને કાલે કોઈ બીજો દેશ કે સંસ્થા ઊભી થઈને આ દાવો કરે તો એ પણ આવી ગયાં.
 

ભારતે ફરી ચોખવટ કરી છે કે,ઈન્ડિયન આર્મીના મારથી ભારે નુકસાન થયા પછી પાકિસ્તાનના લશ્કરી અધિકારીએ ભારતીય અધિકારીનો સંપર્ક કર્યો હતો. પાકિસ્તાનના ડિરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઑપરેશન્સ (DGMO) ભારતીય DGMO સાથે વાત કરી પછી બંને દેશોએ 10 મેથી જમીન, હવા અને સમુદ્ર એમ બધે ઠેકાણે તમામ પ્રકારની લશ્કરી કાર્યવાહી રોકવા  સહમતી સધાઈ અને યુદ્ધવિરામનો અમલ કરાયો.
 

ચીનના દાવા પછી યુદ્ધવિરામ ફરી ચર્ચામાં છે પણ આપણે આપણી સરકારની વાતને સ્વીકારવી જોઈએ. ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીન જે દાવા કરે છે તેના કોઈ પુરાવા નથી એ જોતાં ભારતીયોએ નરેન્દ્ર મોદી સરકારનો વિશ્વાસ કરવો જોઈએ અને અમેરિકા કે ચીને મધ્યસ્થી કરીને ઓપરેશન સિંદૂર રોકાવ્યું હતું તેને ટાઢા પહોરનું ગપ્પું માનવું જોઈએ. અમેરિકા અને ચીન સહિતના દેશોમાં ઉચ્ચ હોદ્દા પર બેઠેલા લોકોની સત્તાવાર વાતચીતનો રેકોર્ડ રખાતો હોય છે. કોલ રેકોર્ડ્સ, વીડિયો ટેપ, કોલ ટેપ સહિતના પુરાવા પણ રખાતા હોય છે.
 

આ બધા પુરાવા ક્લાસિફાઈડ એટલે કે ગુપ્ત રાખીને જાહેર નહીં કરવાની કેટેગરીમાં આવે તેથી સામાન્ય સંજોગોમાં એ જાહેર ના થાય પણ ઓપરેશન સિંદૂર મુદ્દે અમેરિકા અને ચીન બંનેના દાવાને ભારતે સત્તાવાર રીતે નકારી કાઢ્યા છે. આડકતરી રીતે ભારતે અમેરિકા અને ચીન બંને જૂઠાણાં ચલાવે છે એવું કહી દીધું છે એ જોતાં અમેરિકા-ચીને ખરેખર મધ્યસ્થી કરી હોય તો પુરાવા જાહેર કરીને પોતાને સાચા સાબિત કરવા જોઈએ અને ભારત સરકારને ખોટી સાબિત કરવી જોઈએ. 


ચીન તો હમણાં મેદાનમાં આવ્યું પણ  ડોનલ્ડ ટ્રમ્પ તો પચાસ વાર આ વાત કરી ચૂક્યા છે અને દરેક વાર ભારતે ટ્રમ્પના દાવાને નકારીને ટ્રમ્પ જૂઠું બોલે છે એવું આડકતરી રીતે કહી જ દીધું છે. 


ટ્રમ્પ એ પછી પણ કોઈ પુરાવા નથી મૂકતા તેનો મતલબ એ થયો કે, ટ્રમ્પ જૂઠા છે અને મોદી સરકાર સાચી છે. ચીન પણ પુરાવા આપ્યા વિના આ જ રેકર્ડ વગાડ્યા કરે તો તેને પણ આ જ વાત લાગુ પડશે. નક્કર પુરાવા ના રજૂ થાય ત્યાં સુધી આપણી સરકાર જ સાચી છે એવું આપણે માનવું જોઈએ. 


અલબત્ત મોદી સરકારે ઓપરેશન સિંદૂર મુદ્દે કેટલાક સવાલોના જવાબ પણ આપવા જોઈએ કેમ કે ઘણા સવાલોના સંતોષકારક જવાબ નથી મળ્યા. પહેલો સવાલ એ છે કે, ડોનલ્ડ ટ્રમ્પે   ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ માટે સંમત થયાં છે તેની જાહેરાત ભારત કે પાકિસ્તાન પહેલાં કેમ કરી ? ભારતે સત્તાવાર રીતે યુદ્ધવિરામ સ્વીકાર્યો તેના 4 કલાક પહેલાં ટ્રમ્પે એલાન કરી દીધેલું. ટ્રમ્પને યુદ્ધવિરામની ખબર પહેલાં કઈ રીતે પડી ગઈ તેનો સંતોષકારક જવાબ નથી મળતો. ભારતે યુદ્ધવિરામ સ્વીકાર્યાની આગોતરી જાણ અમેરિકાને કરી હોય ને ટ્રમ્પ જશ ખાટવા પોતે મોટા ભા બની ગયા હોય એ શક્ય છે પણ સરકારે સ્પષ્ટતા નથી કરી એ હકીકત છે. 


બીજો સવાલ એ છે કે, સરકારે લેવાનો નિર્ણય  ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) કક્ષાએ કેમ લેવાયો ?  વિદેશ મંત્રી એસ. જયશંકરે સત્તાવાર રીતે કહેલું કે, પાકિસ્તાની આર્મીના DGMO  મેજર જનરલ કાશિફ અબ્દુલ્લાએ ઈન્ડિયન આર્મીના DGMO લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈને કોલ કર્યો પછી ભારતે યુદ્ધવિરામ સ્વીકાર્યો હતો.  કાશ્મીર અને આતંકવાદનો મુદ્દો બે દેશોની સરકાર વચ્ચેનો છે ત્યારે પાકિસ્તાનની સરકાર કે આર્મી ચીફના બદલે ડીજીએમઓ જેવા નીચલી કક્ષાના અધિકારીના કહેવાથી ભારતે યુદ્ધવિરામ કેમ સ્વીકારી લીધો? એ જ રીતે યુધ્ધવિરામના બદલામાં પાકિસ્તાન શું કરશે તેનો પણ જવાબ નથી મળતો. 


સૌથી મહત્ત્વનો સવાલ તો એ છે કે, આર્મી પૂરી તાકાતથી તૂટી પડી હતી અને આપણું લશ્કર પાકિસ્તાનના ભુક્કા બોલાવીને પીઓકે પાછું મેળવવા સજ્જ હતું ત્યારે  મોદી સરકારે હુમલા અચાનક બંધ કરીને યુદ્ધવિરામ કેમ સ્વીકારી લીધો ? મોદીએ કહેલું કે, પાકિસ્તાન હવે પછી આતંકવાદી હુમલો કરાવે તો તેનો જવાબ મિલિટરી એક્શનથી મળશે. ઓપરેશન સિંદૂર બંધ કરાયું પછી દેશની રાજધાની દિલ્હીમાં આતંકવાદી હુમલો થયો છતાં કોઈ મિલિટરી એક્શન કેમ નથી લેવાયાં તેનો જવાબ પણ નથી મળતો. હમણાં ઓપરેશન સિંદૂર વખતે ભારતનાં કેટલાંક ફાઈટર જેટ તૂટ્યાં હોવાનો દાવો અમેરિકા દ્વારા કરાયેલો. તેનો જવાબ પણ સરકારે નથી આપ્યો. 


આતંકવાદ સામેની લડાઈમાં આપણી સરકાર જે કંઈ કરે તેને આખા દેશનો ટેકો હોય જ એ કહેવાની જરૂર નથી પણ સામે સરકારે પણ દેશનું ગૌરવ જળવાય એ રીતે વર્તવું જરૂરી છે. પારદર્શક બનીને લાકો સામે હકીકતને મૂકવી જરૂૂરી છે પણ કમનસીબે સરકાર એવી પારદર્શિતા નથી બતાવી શકી. ઓપરેશન સિંદૂર વખતે સ્વીકારાયેલો યુદ્ધવિરામ દેશ માટે ગૌરવરૂપ નહોતો જ એ હકીકત છે. એવું કેમ થયું એ સવાલનો કોઈ જવાબ હજુ નથી મળતો.