Thu Jan 01 2026

Logo

White Logo

ગુજરાત સહિત આ રાજ્યમાં આજે પણ માવઠાની આગાહી, પહાડોમાં હિમવર્ષા : ---

4 hours ago
Author: MayurKumar Patel
Video

અમદાવાદ/નવી દિલ્હીઃ નવા વર્ષના પહેલા દિવસે, દેશના ઘણા ભાગોમાં હવામાને તીવ્ર ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ અને શીત લહેરનો કહેર ચાલુ છે. ગુજરાતમાં આજે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયાં વરસાદી ઝાંપટાં પડી શકે છે. ગઈકાલે રાજ્યના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતા. ભરશિયાળે થયેલા આ કમોસમી વરસાદને કાર ઘઉં, ચણા, તુવેર અને ધાણાના વાવેતરને આ વરસાદથી નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

ગુજરાતમાં વરસાદી માહોલ બાદ 2 અને 3 જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે. કોલ્ડ વેવ આવવાની અને તીવ્ર ઠંડી પડવાની પણ શક્યતા છે. ક્લાઈમેટ ચેન્જ અને વાતાવરણમાં થતા ફેરફારોને કારણે આ વર્ષે ઠંડીમાં ઘટાડો અને માવઠાંના વરસાદમાં વધારો જોવા મળી રહ્યો છે. ખેડૂતોને આ વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જરૂરી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.

નવા વર્ષની શરૂઆત સાથે જ રાષ્ટ્રીય રાજધાની સહિત સમગ્ર ઉત્તર ભારત ભીષણ ઠંડીથી ધ્રૂજી ઉઠ્યું છે. મધ્ય ભારતથી લઈને પૂર્વ અને પૂર્વોત્તર ભારત સુધી ઠંડીનો પ્રકોપ જોવા મળ્યો હતો. હિમાલયના રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષા બાદ મેદાની વિસ્તારોમાં અતિશય ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. ઠંડીની સાથે ગાઢ ધુમ્મસે મુશ્કેલીઓમાં વધુ વધારો કર્યો છે. રોડ, રેલ અને હવાઈ વાહનવ્યવહાર ખરાબ રીતે પ્રભાવિત થવાને કારણે જનજીવન થંભી ગયું છે. દિલ્હી અને શ્રીનગરમાં 300થી વધુ ફ્લાઇટ્સ પર તેની અસર પડી છે. અત્યારે રાહતની કોઈ આશા દેખાઈ રહી નથી. ઉત્તર ભારતમાં ચારથી પાંચ દિવસ સુધી ગાઢ ધુમ્મસ છવાયેલું રહી શકે છે. દિલ્હી-એનસીઆર અને ઉત્તર પ્રદેશમાં વરસાદની પણ શક્યતા છે.

 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, યુપી, ઓડિશા અને મેઘાલયના કેટલાક ભાગોમાં મંગળવાર રાતથી બુધવાર સવાર સુધી ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું હતું. મોટાભાગના સ્થળોએ વિઝિબિલિટી 50 મીટરથી પણ ઓછી રહી ગઈ હતી. પશ્ચિમ બંગાળના ગંગા કિનારાના વિસ્તારો, બિહાર, મધ્ય પ્રદેશ અને આસામના જુદા જુદા વિસ્તારોમાં પણ ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું.

તીવ્ર ઠંડા પવનોએ લોકોને ઘરોમાં કેદ રહેવા મજબૂર કરી દીધા છે. આઈએમડી મુજબ જ્યારે તાપમાન ઓછું હોય, પવનની ગતિ હળવી હોય અને ભેજનું પ્રમાણ વધુ હોય ત્યારે ધુમ્મસ બને છે અને દિવસ દરમિયાન લાંબો સમય સુધી રહે છે. ધુમ્મસ સૂર્યપ્રકાશને અવરોધે છે, તેથી દિવસ દરમિયાન વધુ ઠંડી અનુભવાય છે.

મેદાની રાજ્યોમાં શીતલહેરને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. પંજાબના અમૃતસરમાં સૌથી ઓછું 6.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું હતું. હરિયાણામાં રોહતક સૌથી ઠંડું રહ્યું હતું, જ્યાં લઘુત્તમ તાપમાન 4.2 ડિગ્રી અને રાજસ્થાનના કરૌલીમાં સૌથી ઓછું 4.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પંજાબ, હરિયાણા, પશ્ચિમ રાજસ્થાન અને યુપી સહિતના મેદાની રાજ્યોમાં આજે હળવો વરસાદ પડી શકે છે. પૂર્વ યુપી અને હિમાચલ પ્રદેશમાં 'કોલ્ડ ડે' જેવી સ્થિતિ સર્જાઈ શકે છે, જ્યારે બિહારમાં ગંભીર કોલ્ડ ડેની ચેતવણી આપવામાં આવી છે.