મુંબઈ: દક્ષિણ મુંબઇના તાડદેવ વિસ્તારમાં આવેલી ભાટિયા હોસ્પિટલમાં સોમવારે બપોરના આગ લાગી હતી, જેને પગલે દર્દીઓ, ડોક્ટરો, અન્ય કર્મચારીઓ સહિત લગભગ 250 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ આગમાં કોઇને ઇજા થઇ નહોતી. આગ લાગવા પાછળનું કારણ તાત્કાલિક જાણી શકાયું નહોતું.
ભાટિયા હૉસ્પિટલના સીટી-એમઆરઆઇ સ્કૅન યુનિટમાં બપોરના 1.35 વાગ્યે આગ લાગી હતી. આગની જાણ થતાં અગ્નિશમન દળના જવાનો ત્વરિત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ બુઝાવવાનું શરૂ કર્યું હતું.
અગ્નિશમન દળના જણાવ્યા અનુસાર ખાનગી હોસ્પિટલના સીટી-એમઆરઆઇ યુનિટમાં બપોરે લાગેલી આગ ઇલેક્ટ્રિકલ વાયરિંગ અને ઇન્સ્ટોલેશન્સ સુધી મર્યાદિત રહી હતી.
આગ લાગ્યા બાદ સાવચેતીના પગલા તરીકે દર્દીઓ, ડોક્ટરો અને અન્ય કર્મચારીઓ સહિત 250 લોકોને હૉસ્પિટલ પરિસરમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આગને બપોરે ત્રણ વાગ્યા સુધીમાં કાબૂમાં લેવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
(પીટીઆઇ)