Mon Dec 22 2025

Logo

White Logo

BMC ચૂંટણીમાં 'જગદંબા તલવાર'ની એન્ટ્રી: : મુંબઈ કબજે કરવા ભાજપનો માસ્ટરપ્લાન...

1 hour ago
Author: Mumbai Samachar Team
Video

મુંબઈઃ જાન્યુઆરીમાં યોજાનારી બીએમસી (મુંબઈ મહાનગર પાલિકા)ની ચૂંટણી જીતવા માટે બધા જ રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને પોતપોતાની રીતે તૈયારીઓ કરી રહ્યા  છે. બીએમસી ચૂંટણી માટે રાજકીય શતરંજ તૈયાર થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) જગદંબા તલવાર દ્વારા મુંબઈના હિન્દુઓને એક કરવાની રણનીતિ પર કામ કરી રહી છે. ભાજપે શિવાજી મહારાજની ઐતિહાસિક જગદંબા તલવારની પ્રતિકૃતિનું પૂજન કરીને બીએમસી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી.

મુંબઈમાં ભાજપે ઠાકરે બંધુઓની મરાઠી ઓળખ અને મરાઠી માનુસ કાર્ડના વિરોધમાં આ જગદંબા તલવારને ચૂંટણી મેદાનમાં ઉતારી છે. ભાજપનું કહેવું છે કે આ તલવાર મુંબઈના લાખો હિન્દુઓને એક કરશે અને ઠાકરેના ભ્રષ્ટાચારનો અંત લાવશે.

જગદંબા તલવાર શેનું પ્રતીક છે?
જગદંબા તલવાર સ્વરાજ, ધર્મ અને ન્યાયનું પ્રતીક છે. આ તલવાર માં ભવાનીનું સ્વરૂપ હોવાનું કહેવાય છે. શિવાજી મહારાજે ઘણી લડાઈઓમાં પોતાના દુશ્મનોનો નાશ કરવા માટે આ તલવારનો ઉપયોગ કર્યો હતો. જગદંબા તલવારની પ્રતિકૃતિ 17 ફૂટ લાંબી છે અને તેમાં મૂળ તલવારની જેમ જ 400 થી વધુ રત્નો જડવામાં આવ્યા છે.

જગદંબા તલવાર અત્યારે ક્યાં છે?
શિવાજી મહારાજની મૂળ જગદંબા તલવાર હાલમાં લંડનના રોયલ મ્યુઝિયમમાં છે. આ તલવારને ભારત પાછી લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. લાખો શિવભક્તો આ જગદંબા તલવાર સાથે ધાર્મિક રીતે જોડાયેલા છે.

મૂળ જગદંબા તલવાર કેવી છે?
કુલ લંબાઈ: આશરે 110-115 સે.મી., બ્લેડની લંબાઈ: આશરે 90-95 સેમી છે. ઉપરાંત, તલવારની પહોળાઈ: આશરે 3-4 સેમી અને વજન: આશરે 1 - 1.2 કિલોગ્રામ ધરાવે છે. આગળથી થોડી વળેલી છે જે યુદ્ધમાં ઝડપી પ્રહારો માટે યોગ્ય બનાવે છે. આ એક યુદ્ધ તલવાર હતી જે ચપળતા, ગતિ અને ચોકસાઈ માટે રચાયેલ હતી.
 
"જગદંબા" નામનું મહત્વ
પરંપરા મુજબ, શિવાજી મહારાજ દેવી તુળજા ભવાનીના ભક્ત હતા. માન્યતા મુજબ આ તલવાર દેવી તરફથી મળેલ આશીર્વાદ/પ્રસાદ માનવામાં આવતી હતી. તેથી, તે માત્ર એક શસ્ત્ર નહોતું, પરંતુ ધર્મ, સ્વરાજ્ય અને ન્યાયનું પ્રતીક હતું. ભાજપના નેતાએ જગદંબા તલવાર બતાવીને કહ્યું કે તે ન્યાય અને સચ્ચાઈનું પ્રતીક છે. તે હિન્દુઓને એક કરશે અને મરાઠી મુદ્દે ઠાકરેના જુઠ્ઠાણાને ખુલ્લા પાડશે. આ તલવાર સાથે, શિવાજી મહારાજ અને મરાઠા સામ્રાજ્યના શાસનકાળ દરમિયાન ઉપયોગમાં લેવાયેલા શસ્ત્રોનું પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં મુંબઈવાસીઓ આ પ્રદર્શનની મુલાકાત  લઈ રહ્યા છે.