Mon Dec 22 2025

Logo

White Logo

સોનામાં વધુ રૂ. 695નો ઘટાડો : , ચાંદીમાં રૂ. 1053ની નરમાઈ

3 days ago
Author: Ramesh Gohil
Video

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મક્કમ વલણ રહ્યું હોવાથી ખાસ કરીને સોનાની પડતરો વધી આવતાં લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીમાં તંગ પુરવઠે ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે સપ્તાહના અંતે વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો પંચાવન પૈસા મજબૂત થતાં આયાત પડતર ઘટવાને કારણે હાજરમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 693થી 695નો ઘટાડો આવ્યો હતો. વધુમાં આજે વિશ્વ બજારથી વિપરીત ચાંદીના ભાવમાં પણ કિલોદીઠ રૂ. 1053નો ઘટાડો આવ્યો હતો. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વિશ્વ બજારમાં ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો છતાં ઊંચા મથાળેથી ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 1053ના ઘટાડા સાથે રૂ. 2,00,067ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ અને રૂપિયામાં મજબૂત વલણ રહેતાં હાજરમાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના 10 ગ્રામદીઠ ભાવ ગઈકાલના બંધ સામે રૂ. 693 ઘટીને રૂ. 1,31,251 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 695 ઘટીને રૂ. 1,31,779ના મથાળે રહ્યા હતા. 

આજે ડૉલર ઈન્ડેક્સ વધીને એક સપ્તાહની ઊંચી સપાટીએ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.1 ટકા ઘટીને આૈંસદીઠ 4326.37 ડૉલર અને વાયદામાં ભાવ 0.2 ટકા ઘટીને 4354.80 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.8 ટકા વધીને આૈંસદીઠ 65.93 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે આ સપ્તાહમાં અત્યાર સુધીમાં ચાંદીના ભાવમાં છ ટકા જેટલો અને સોનાના ભાવમાં 0.6 ટકા જેટલો સુધારો નોંધાયો છે, જ્યારે વાર્ષિક ધોરણે ચાંદીમાં 128 ટકાની અને સોનામાં 65 ટકાની તેજી જોવા મળી છે. 

એકંદરે વર્ષાન્ત નજીક હોવાથી તેમ જ ક્રિસમસની રજાઓને ધ્યાનમાં લેતા ખેલાડીઓ પોઝિશનો સરભર કરી રહ્યા હોવાથી સોનાના ભાવ સાધારણ દબાણ હેઠળ આવી રહ્યા હોવાનું ઓએએનડીએનાં વિશ્લેષક ઝેઈન વાવદાએ જણાવતા ઉમેર્યું હતું કે તાજેતરમાં અમેરિકાના જોવા મળેલા આર્થિક ડેટા અપેક્ષા કરતાં નબળા હોવાથી ફેડરલ રિઝર્વ દ્વારા રેટકટનો આશાવાદ વધુ પ્રબળ બન્યો છે. 

વધુમાં આજે ગોલ્ડમેન સાશે ખાસ કરીને કેન્દ્રવર્તી બૅન્કોની સોનામાં લેવાલી અને અમેરિકી ફેડરલ રિઝર્વ હળવી નાણાનીતિ અપનાવે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા આગામી ડિસેમ્બર, 2026ના અંત સુધીમાં સોનાના ભાવ 14 ટકા વધીને આૈંસદીઠ 4900 ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરી છે. 

દરમિયાન ગઈકાલે અમેરિકા ખાતે નવેમ્બર મહિનાનો ક્નઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ બજાર વર્તુળોની 3.1 ટકાની વૃદ્ધિની અપેક્ષા સામે 2.7 ટકા વધ્યો હોવાના અહેવાલ હતા. તેમ જ આ ડેટાને ધ્યાનમાં લેતા શિકાગો ફેડનાં પ્રમુખ ઑસ્ટિન ગુલસ્બીએ જણાવ્યું હતું કે અપેક્ષા કરતાં ફુગાવાના ડેટા હળવા આવ્યા હોવાથી આગામી વર્ષે વ્યાજદરમાં વધુ ઘટાડાની શક્યતામાં વધારો થયો છે.