સ્થાનિકમાં આગઝરતી તેજી સાથે સોનામાં રૂ. 2191નો અને ચાંદીમાં રૂ. 7660નો ઉછાળો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી વર્ષ 2026માં હળવી નાણાનીતિ અપનાવશે અને વધુ વખત વ્યાજદરમાં કાપ મૂકે તેવા આશાવાદ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે એક તબક્કે સોનાના ભાવ આૈંસદીઠ 4420 ડૉલરની અને ચાંદીના ભાવ આૈંસદીઠ 69.44 ડૉલરની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યાના પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કિંમતી ધાતુઓમાં આગઝરતી તેજી આવી હતી, જેમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 2191નો અને ચાંદીના ભાવમાં રૂ. 7666નો ઉછાળો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે 999 ટચ ચાંદીના વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 7660ની તેજી સાથે રૂ. 2,07,727ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી માત્ર ઔદ્યોગિક વપરાશકારોની છૂટીછવાઈ લેવાલી જોવા મળી હતી, પરંતુ જ્વેલરી ઉત્પાદકો તથા સ્ટોકિસ્ટો નવી લેવાલીથી દૂર રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ વિશ્વ બજાર પાછળ તેજીનું વલણ જળવાઈ રહેતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 2183 વધીને રૂ. 1,33,434ની સપાટીએ અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 2191ની તેજી સાથે રૂ. 1,33,970ના મથાળે પહોંચ્યા હતા. જોકે આગઝરતી તેજીને કારણે સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકોની લેવાલી તેમ જ રિટેલ સ્તરની લેવાલી પણ શુષ્ક રહી હતી. તાજેતરમાં સોના-ચાંદીમાં ફૂંકાયેલા તેજીના પવનમાં પ્રવર્તમાન લગ્નસરાની માગમાં પણ વસવસો જોવા મળી રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે લંડન ખાતે સત્રના આરંભે એક તબક્કે હાજરમાં સોનાના ભાવ વધીને આૈંસદીઠ 4420.01 ડૉલરની સપાટી સુધી પહોંચ્યા બાદ આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે આગલા બંધ સામે 1.7 ટકા વધીને આૈંસદીઠ 4410.54 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે વાયદામાં ભાવ 1.3 ટકા વધીને 4443.90 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે આ વર્ષમાં અત્યાર સુધીમાં હાજરમાં સોનાના ભાવમાં 68 ટકાનો ઉછાળો આવી ગયો છે. વધુમાં આજે ચાંદીના ભાવ પણ એક તબક્કે વધીને આૈંસદીઠ 69.44 ડૉલર સુધી પહોંચ્યા બાદ આગલા બંધ સામે 2.09 ટકા વધીને આૈંસદીઠ 69.05 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ આ વર્ષમાં અત્યાર સુધીમાં ચાંદીના ભાવમાં 139 ટકાની તેજી આવી છે.
અમેરિકામાં ફુગાવો લાંબા સમયગાળા સુધી ઊંચી સપાટીએ રહે તેવી શક્યતા અને શ્રમ બજારમાં સ્થિરતા લાવવા માટે અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધુ કાપ મૂકીને હળવી નાણાનીતિ અપનાવે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા આજે સોના, ચાંદી અને કોપર જેવી ધાતુઓમાં તેજીનું વલણ જોવા મળ્યું છે અને હળવી નાણાનીતિના સંજોગોમાં વ્યાજની ઊપજ ન આપતી સોના અને ચાંદી જેવી ધાતુઓમાં રોકાણકારોનું આકર્ષણ વધુ રહેતું હોવાનું યુબીએસના વિશ્લેષક ગિઓવન્ની સ્ટુનોવો એ જણાવવાની સાથે તેમણે આગામી વર્ષ માટે સોનાના ભાવનો લક્ષ્યાંક આૈંસદીઠ 4500 ડૉલરનો મૂક્યો હતો.
વધુમાં ગત શુક્રવારે ફેડરલ રિઝર્વના ગવર્નર સ્ટીફન મિરાને પુનરોચ્ચાર કરતાં જણાવ્યું હતું કે હાલમાં ફુગાવો શાંત પડી રહ્યો છે અને શ્રમ બજારના જોખમ હળવા કરવા ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં કાપ મૂકવો જોઈએ. તેમના આ નિવેદનને ધ્યાનમાં લેતા આજે રેટકટનો આશાવાદ વધુ પ્રબળ થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.