Fri Jan 02 2026

Logo

White Logo

ધારાવીમાં બાળકોને ચેસ-સ્ટાર પ્રજ્ઞાનાનંદની સલાહ, : ` દરેક નિષ્ફળતાને શિખર પર પહોંચવાનું પગથિયું ગણો'

2 weeks ago
Author: Ajay Motiwala
Video

મુંબઈઃ ચેસના ગ્રેન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનાનંદે શુક્રવારે આયોજિત ધારાવી (Dharavi) સ્કૂલ્સ ચેસ ચૅમ્પિયનશિપ દરમ્યાન હાજરી આપીને સેંકડો બાળકોને ચેસની રમતમાં પ્રોત્સાહિત કર્યા હતા. આ ઇવેન્ટમાં પ્રતિભા અને આકાંક્ષાઓનો પ્રેરણાદાયક સંગમ જોવા મળ્યો હતો.

ભૂતપૂર્વ ચેસ વર્લ્ડ ચૅમ્પિયન અને વર્લ્ડ નંબર-વન મૅગ્નસ કાર્લસન સહિત ઘણા નામાંકિત ખેલાડીઓને હરાવી ચૂકેલા 20 વર્ષીય પ્રજ્ઞાનાનંદે શુક્રવારનો લગભગ આખો દિવસ અદાણી ગ્રૂપ અને નવભારત મેગા ડેવલપર્સ દ્વારા આયોજિત આ ઇવેન્ટમાં 30 સ્કૂલના 400થી વધુ ઉત્સાહિત બાળકો સાથે વીતાવ્યો હતો.

તેણે બાળકો સાથે વાતચીત કરીને તેમ જ તેમની સાથે હાથ મિલાવીને તેમને મૉટિવેટ કર્યા હતા. જિલ્લા સ્પોર્ટ્સ ક્લબના આ કાર્યક્રમમાં સ્કૂલોના શિક્ષકો તેમ જ બાળકોના પરિવારજનો પણ હાજર રહ્યા હતા. ચેસની ઇવેન્ટ્સમાં ખાસ કરીને છોકરીઓએ બહુ સારું પ્રદર્શન કર્યું હતું. પ્રજ્ઞાનાનંદે જુનિયર તથા સિનિયર કૅટેગરીના વિજેતાઓને ટ્રોફી તથા પ્રમાણપત્રો એનાયત કર્યા હતા.

મૂળ ચેન્નઈના પ્રજ્ઞાનાનંદે (pragnanand) બાળકોને સલાહ આપી હતી કે ` તમારે હિંમતભેર સપનાં જોવા જોઈએ તેમ જ વ્યૂહાત્મક વિચારો સાથે ચેસની રમતમાં અને જિંદગીમાં આગળ વધવું જોઈએ. તમારે દરેક નિષ્ફળતાને શિખર પર પહોંચવાની મહત્ત્વકાંક્ષાના પગથિયાં તરીકે ગણવી જોઈએ.'