Mon Dec 22 2025

Logo

White Logo

ગુજરાતમાં માવઠાથી અસરગ્રસ્ત ખેડૂતોને : રૂપિયા 5330 કરોડથી વધુ સહાય ચૂકવાઈ

5 days ago
Author: Chandrakant Kanoja
Video

ગાંધીનગર:  ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબીનેટ બેઠકમાં  કૃષિ રાહત પેકેજ અને ટેકાના ભાવે ખરીદીની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. જે અંગે વિગતો આપતા પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ માટે ખૂબ જ ટૂંકા ગાળામાં બે અલગ ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યા હતા. આ બંને રાહત પેકેજ હેઠળ અત્યાર સુધી કુલ 17. 92  લાખ ખેડૂતોને કુલ રૂ. 5330  કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.

રૂ. 11 હજાર કરોડથી વધુ મૂલ્યના બે ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ 

રાજ્ય સરકારે રેકોર્ડ બ્રેક સમયમાં રૂ. 11 હજાર કરોડથી વધુ મૂલ્યના બે ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યા હતા. જે અંતર્ગત સહાય મેળવવા માટે રાજ્યના કુલ 30.71 લાખથી વધુ ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી છે. જેમાં આજદિન સુધીમાં તબક્કાવાર કાર્યવાહી કરી કુલ 26.60 લાખથી વધુ અરજીઓ મંજૂર કરવામાં આવી છે. 

114 તાલુકામાં આશરે 317 ખરીદ કેન્દ્રો શરૂ

વધુમાં પ્રવક્તા પ્રવક્તા પ્રધાને રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ચાલી રહેલ ખરીદીની વિગતો આપતા કહ્યું હતું કે, ચાલુ વર્ષે ટેકાના ભાવે વેચાણ માટે થયેલી નોંધણીમાં ગત વર્ષ કરતાં અઢી ગણો વધારો જોવા મળ્યો છે. મગફળીની ખરીદી માટે રાજ્યના 114 તાલુકામાં આશરે 317 ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં છે. જે કેન્દ્રો મારફત અત્યાર સુધીમાં કુલ 4.75 લાખ ખેડૂતો પાસેથી રૂ. 7537કરોડના મૂલ્યની કુલ  10.49 લાખ મે. ટન મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. જેની સામે આજદિન સુધીમાં 2.18 લાખથી વધુ ખેડૂતોને રૂ. 3468 કરોડની રકમ સીધી તેમના બેન્ક ખાતામાં ચૂકવી દેવામાં આવી છે.