Mon Dec 22 2025

Logo

White Logo

રાજકોટમાં વડા પ્રધાનના સ્વાગતની તૈયારી, વિદેશી : મહાનુભાવો પણ રોડ શૉમાં જોડાઈ તેવી સંભાવના

2 hours ago
Author: Pooja Shah
Video

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ
રાજકોટમાં યોજાનારા વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ સમિટની તૈયારીઓ જોરશોરથી થઈ રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને દેશ-વિદેશના મહેમાનો આ કાર્યક્રમમાં આવનારા છે ત્યારે રાજકોટ મનપા સહિતના તમામ સ્થાનિક તંત્રો તૈયારીમાં પડ્યા છે. 

આગામી તા.10ના રોજ વાઈબ્રન્ટ ગુજરાત રીજયોનલ સમીટ માટે રાજકોટ આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને સફળ બનાવવા તમામ તૈયારીઓ થઈ રહી છે. મોદીનો રાજકોટમાં રોડ-શૉ થવાનો છે અને તેમની સાથે વિદેશી મહેમાનો પણ જોડાઈ તેવી સંભાવના છે. 

રોડ-શૉના સંભવિત રૂટની સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આંતરરાષ્ટ્રીય વિમાની મથકે (હિરાસર) પહોંચ્યા બાદ હેલિકોપ્ટર મારફત જૂના એરપોર્ટ પર પહોંચીને ત્યાંથી માધાપર ચોકડી સુધીનો રોડ-શો કરશે. ત્યારબાદ તેઓ વાઈબ્રન્ટ સમિટના સ્થળ મારવાડી યુનિવર્સિટી જશે. વડા પ્રધાનનું રાજકોટમાં લગભગ ચારથી પાંચ કલાકનું રોકાણ હશે, તેમ જાણવા મળ્યું હતું. તેમના રૂટ્સના તમામ રસ્તાઓ સાફ થઈ રહ્યા છે, આ સાથે ગેરકાયદે દબાણ હટાવાઈ રહ્યું છે. 

મોદી સાથે ભાજપના આલા નેતાઓ અને વિદેશી મહેમાનો આવવાના હોવાથી રાજકોટમાં જાન્યુઆરી મહિનાના પહેલા બે અઠવાડિયા દરમિયાન ભારે ધમધમાટ રહેશે.