અમદાવાદઃ કૉંગ્રેસની જનઆક્રોશ યાત્રા દરમિયાન વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારી દેવાની વાત કરી હતી, જે ઘણી જ વિવાદાસ્પદ રહી હતી. ત્યારે ફરી કૉંગ્રેસના ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને પોલીસકર્મી વચ્ચેની ગરમાગરમીનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં ચુડાસમા પોલીસકર્મીને કથિત રીતે ધમકાવતા હોવાનું જણાઈ રહ્યું છે.
આ ઘટનાની મળતી વિગતો અનુસાર ગડુ ગામ પાસે રસ્તા પર એક ક્રશર મશીન પડ્યું હતું અને તેને અથડાઈને એક બાઈકચાલકનું કરૂણ મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસકર્મીએ એમ લખ્યું હતું કે મૃતકની બેદરકારીને લીધે તેનું મોત નિપજ્યું હતું. આ મમલે ચુડાસમાએ રોષ વ્યક્ત કર્યો હતો અને પોલીસકર્મીએ આમ લખવા બદલ ધમકાવ્યો હતો. તેમણે એવો દાવો પણ કર્યો હતો કે અકસ્માતના સમય બાદ પોલીસને સતત ફોન આવ્યા હતા, તેથી તેની તપાસ માટે પણ પોલીસ વડાને પત્ર લખી જણાવ્યું હતું.
તેમણે પોલીસકર્મીએ ધમકાવતા એમ કહ્યું હતું કે નોકરી કરો ચમચાગીરી નહીં, મશીનવાળો કોન્ટ્રાક્ટર તારા કાકાનો દીકરો થાય છે, ખબર નહીં પડે ક્યા મૂકી દઈશ. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ આ અંગે જરૂરી કાર્યવાહી કરશે.