Mon Dec 22 2025

Logo

White Logo

પૂર્વ મંત્રી માણિકરાવ કોકાટેની તબિયત લથડી: : એન્જિયોપ્લાસ્ટી બાદ કસ્ટડી અંગે લેવાશે નિર્ણય

3 days ago
Video

મુંબઈઃ એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના નેતા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન માણિકરાવ કોકાટેને કોર્ટે દોષી ઠેરવ્યા બાદ તેમણે રાજીનામું આપ્યું હતું. આજે તેમનું રાજીનામું રાજ્યપાલે સ્વીકાર્યું પણ હતું. જોકે, અચાનક તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજનો દિવસ તેમના માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેમનો કોરોનરી એન્જિયોપ્લાસ્ટી ટેસ્ટ કરાવવાનો છે. ટેસ્ટના પરિણામ પરથી નક્કી થશે કે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે કે નહીં. હાલમાં કોકાટે નાશિકની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ છે અને ડોકટરો તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે.

એન્જિયોપ્લાસ્ટી પરીક્ષણો પછી જ ડોકટરો કોકાટેની સ્થિતિ અંગે અંતિમ અભિપ્રાય આપશે. હોસ્પિટલ વહીવટીતંત્રે તેમની વર્તમાન તબીબી સ્થિતિ અંગે એક અહેવાલ તૈયાર કર્યો છે. આ રિપોર્ટ જણાવશે કે તેમને હોસ્પિટલમાં કેટલો સમય રહેવાની જરૂર છે અને તેઓ કાનૂની કાર્યવાહી માટે યોગ્ય છે કે નહીં.

નાશિક પોલીસે કહ્યું છે કે જ્યાં સુધી ડૉક્ટર તેમને રજા ન આપે ત્યાં સુધી કોકાટેને કસ્ટડીમાં લઈ શકાશે નહીં. પોલીસનું કહેવું છે કે ડોક્ટરોના રિપોર્ટ આવ્યા પછી જ આગળની કાનૂની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે. કોકાટેના કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નાશિક પોલીસ આખી રાત હોસ્પિટલ પરિસરમાં પહેરો ભરતી રહી હતી.

ડોક્ટરોના નિવેદનો નોંધાયા
પોલીસે કોકાટેની સારવાર કરનારા બે ડોક્ટરોના નિવેદનો પણ નોંધ્યા છે. આ નિવેદનોમાં તેમની તબીબી સ્થિતિ, સારવાર પ્રક્રિયા અને વર્તમાન સ્થિતિ વિશે મહત્વપૂર્ણ માહિતી છે. એવું માનવામાં આવે છે કે આ નિવેદનો આગામી કાનૂની કાર્યવાહીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. હોસ્પિટલ પ્રશાસનનો રિપોર્ટ, કોકાટેનો મેડિકલ રિપોર્ટ અને સારવાર કરી રહેલા ડોકટરોના નિવેદનો આજે કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. આ રિપોર્ટના આધારે કોર્ટ આગળની કાર્યવાહી નક્કી કરશે.

અહેવાલો અનુસાર, નાશિક પોલીસ અધિકારીઓ  સવારે હોસ્પિટલમાં માણિકરાવ કોકાટેને મળ્યા. આ દરમિયાન તેમના સ્વાસ્થ્ય અને સારવારની માહિતી લેવામાં આવી હતી. કોકાટેની અરજી પર આજે સુનાવણી થવાની છે. બધાની નજર આ સુનાવણી પર છે કારણ કે તે નક્કી કરશે કે તેમને તબીબી રાહત મળશે કે નહીં અને કાનૂની પ્રક્રિયા કઈ દિશામાં જશે.