અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા પ્રધાન અમિત શાહ આજથી ત્રણ દિવસ એટલે તે 7 ડિસેમ્બર સુધી ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. આ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરના નાગરિકોને 1,506 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં સ્વદેશોત્સવ કાર્યક્રમમાં સ્ટોલ નિહાળ્યા બાદ અમિત શાહે ગાંધીનગરમાં ધ અર્થ સમિટ 2025-26માં હાજરીમાં હાજરી આપવા માટે પહોંચ્યાં હતાં.
જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સ્વદેશોત્સવ કાર્યક્રમમાં પણ હાજરી આપી
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે નાબાર્ડ–આઈએએમએઆઈના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગરમાં યોજાયેલી ‘ધ અર્થ સમિટ 2025-26’નું ઉદ્દઘાટન કર્યું છે. આ ઉપરાંત ‘સહકાર સારથી એપ’નું લોકાર્પણ કરી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત કરવાની દિશામાં 13 નવી ડિજિટલ સેવાઓનો પ્રારંભ પણ કરાવ્યો છે. આ સમિટ દરમિયાન અમિત શાહ સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કૃષિ પ્રધાન જીતુ વાઘાણી, નાબાર્ડના ચેરમેન સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
અર્થ સમિટ દેશ માટે અત્યંત મહત્વપૂર્ણ
આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન અમિત શાહે સંબોધન કરતા કહ્યું કે, આજની અર્થ સમિટ દેશ માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવાનો મુખ્ય હેતુ ધરાવે છે. કૃષિ, પશુપાલન અને સહકાર-દેશના વિકાસના ત્રણ આધારસ્તંભ છે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ત્રણ વિભાગોના બજેટમાં ત્રણ ગણો વધારો કર્યો છે. દેશનો વિકાસ ગામડાઓને બાજુમાં રાખીને સંભવ નથી. ટેક્નોલોજી વિના સહકારી ક્ષેત્ર આગળ વધી શકશે નહીં. સહકાર સારથી ડિજિટલ પારદર્શિતા અને ઓછા ખર્ચે સેવા ઉપલબ્ધ કરાવશે.
ડેરી ક્ષેત્રની સર્ક્યુલર ઇકોનોમી માટે ગુજરાત રોલ મોડલ
અત્રે ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા અને પંચમહાલમાં ચાલતા પાયલોટ પ્રોજેક્ટ સફળ રહ્યા છે, જેના આધારે ભવિષ્યમાં આ સિસ્ટમ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું હતું. ડેરી ક્ષેત્રની સર્ક્યુલર ઇકોનોમી માટે ગુજરાત રોલ મોડલ બન્યું છે. પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતીનાં પ્રયાસો વધતા, દેશમાં હાલ 49 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી ચૂક્યા છે, અને અમૂલની 40 ઓર્ગેનિક પ્રોડક્ટ ઓનલાઈન ઉપલબ્ધ છે. જે ગુજરાત માટે ખૂબ જ ગર્વની વાત છે.