Mon Dec 22 2025

Logo

White Logo

નવી મુંબઈમાં ‘બુરખા’ ગૅન્ગે રિવોલ્વરની : ધાકે જ્વેલરીની દુકાન લૂંટતાં ખળભળાટ

4 hours ago
Author: yogesh c patel
Video

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: નવી મુંબઈના સીવૂડ્સ પરિસરમાં આવેલી જ્વેલરીની દુકાનમાં ધોળેદહાડે ‘બુરખા’ ગૅન્ગે ગનપૉઈન્ટ પર લૂંટ ચલાવતાં ખળભળાટ મચી ગયો હતો. મુસ્લિમ સ્ત્રીઓ પરિધાન કરે એવા બુરખા પહેરીને ત્રણ લૂંટારા દુકાનમાં ઘૂસ્યા હતા. અંદાજે 20 તોલા સોનું લૂંટી લૂંટારા ફરાર થઈ ગયા હતા. લૂંટનો વીડિયો બાદમાં સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.

એનઆરઆઈ સાગરી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના સોમવારની સવારે 10.45 વાગ્યાની આસપાસ સીવૂડ્સ વિસ્તારમાં બની હતી. કહેવાય છે કે દુકાન ખૂલ્યા બાદ ચાર લૂંટારા ત્યાં આવ્યા હતા, જેમાંથી ત્રણ દુકાનમાં ઘૂસ્યા હતા.

દુકાનના કર્મચારી સાથે ઝપાઝપી કર્યા બાદ એક લૂંટારાએ રિવોલ્વરની ધાકે તેને બાનમાં લીધો હતો, જ્યારે તેના બે સાથીએ ડિસપ્લેમાં રાખેલા દાગીના લૂંટ્યા હતા. ત્રણેય લૂંટારાએ બુરખા અને હેન્ડ ગ્લવ્ઝ પહેરી રાખ્યા હતા. જોકે લૂંટારાએ રિવોલ્વરમાંથી એકેય રાઉન્ડ ફાયર કર્યો નહોતો.

લૂંટારા ફરાર થયા પછી પોલીસને લૂંટની જાણ કરાઈ હતી. માહિતી મળતાં જ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આરોપીઓના સગડ મેળવવા માટે ડૉગ સ્ક્વોડને પણ બોલાવવામાં આવી હતી.

દુકાનમાં લાગેલા સીસીટીવી કૅમેરામાં લૂંટની ઘટના કેદ થઈ હતી, પરંતુ આરોપીએ બુરખો પહેર્યો હોવાથી તાત્કાલિક તેમની ઓળખ થઈ શકી નહોતી. પોલીસ આસપાસના પરિસરમાં લાગેલા કૅમેરાનાં પણ ફૂટેજ તપાસી રહી છે.