Mon Dec 22 2025

Logo

White Logo

‘યુનુસ સરકારે આતંકવાદીઓને છૂટા મૂક્યા!’ : બાંગ્લાદેશ હિંસા અંગે શેખ હસીનાનું નિવેદન

Dhaka   11 hours ago
Author: Savan Zalariya
Video

નવી દિલ્હી: વિદ્યાર્થી નેતાની હત્યા બાદ ગત અઠવાડિયે બાંગ્લાદેશમાં ફરી હિંસા ફાટી નીકળી હતી, હજુ સમગ્ર દેશમાં તાણવભાર્યો માહોલ છે. ભારતમાં આશ્રય લઇ રહેલા બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ એક ઈન્ટરવ્યુંમાં મુહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. હસીનાએ જણાવ્યું કે યુનુસ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહ્યા છે, જેને કારણે ઉગ્રવાદીઓને પ્રોત્સાહન મળ્યું છે.

એક સમાચાર એજન્સી સાથેના એક ઇમેઇલ ઇન્ટરવ્યુમાં શેખ હસીનાએ કહ્યું કે વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીની હત્યા અને ત્યારબાદ ફેલાયેલી અશાંતિ વચગાળાની સરકાર હેઠળ પડી ભાગેલી કાયદા વ્યવસ્થાની સ્થિતિ દર્શાવે છે. તેમણે દાવો કર્યો કે તેમને સત્તા પરથી હટાવ્યા બાદ બાંગ્લાદેશમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે, સતત થઇ રહેલી હિંસાને કારણે બાંગ્લાદેશને આંતરિક રીતે અસ્થિર બનાવી રહી છે, જેને કારણે ભારત જેવા પડોશી દેશો સાથે સંબંધો બગડી રહ્યા છે.

બાંગ્લાદેશની વિશ્વસનીયતા ઘટી:
શેખ હસીનાએ કહ્યું, “બાંગ્લાદેશમાં હિંસા સામાન્ય બની ગઈ છે, વચગાળાની સરકાર તેને રોકી શકી નથી.    ભારત બાંગ્લાદેશમાં અરાજકતા, લઘુમતીઓ પરના અત્યાચાર અને અમે સાથે મળીને બનાવેલી વ્યવસ્થાના પતન પર નજર રાખી રહ્યું છે. જ્યારે પોતાની સરહદોની અંદર વ્યવસ્થા જળવાતી નથી, ત્યારે આંતરરાષ્ટ્રીય મંચ પર તમારી વિશ્વસનીયતા તૂટી જાય છે. આ યુનુસના બાંગ્લાદેશની વાસ્તવિકતા છે.” 

યુનુસે આતંકવાદીઓને છુટ્ટા મુક્યા!
શેખ હસીનાએ કહ્યું, "યુનુસે કટ્ટરપંથીઓને કેબિનેટમાં સામેલ કર્યા, દોષિત ઠરેલા આતંકવાદીઓને જેલમાંથી મુક્ત કર્યા છે, અને આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા ગ્રુપ્સને જાહેર વ્યવસ્થામાં હસ્તક્ષેપ કરવાની તક આપી. યુનુસ પાસે બાંગ્લાદેશ જેવા એક જટિલ દેશનું સંચાલન કરવાનો અનુભવ નથી.”

ભારત સાથે સંબંધો બગડ્યા:
તાજેતરમાં ચિત્તાગોંગમાં આવેલા ભારતીય દુતાવાસ સામે હિંસક પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ  વિઝા સર્વિસ સ્થગિત કરી દેવામાં આવી હતી. આ અંગે હસીનાએ કહ્યું કે ભારતની ચિંતાઓ વાજબી છે. વચગાળાની સરકારના પ્રોત્સાહનથી ઉગ્રવાદીઓએ લઘુમતીઓ, મીડિયા હાઉસ અને રાજદ્વારી મિશનને નિશાન બનાવ્યા. એક જવાબદાર સરકારે રાજદ્વારી મિશનોનું રક્ષણ કરવું જરૂરી છે અને તેમને ધમકી આપનારાઓ સામે કાર્યવાહી કરાવી જોઈએ, તેના બદલે, યુનુસ બદમાશોને છૂટ આપે છે  અને તેમને યોદ્ધા ગણાવે છે.  

ભારત સાથે બાંગ્લાદેશના સંબંધોના મહત્વ વિષે વાત કરતા હસીનાએ કહ્યું, "ભારત દશકોથી બાંગ્લાદેશનો મજબુત મિત્ર દેશ રહ્યો છે. આ સંબંધો કોઈપણ કામચલાઉ સરકાર કરતાં પણ વધુ સમય સુધી ટકી રહેશે. મને વિશ્વાસ છે કે એકવાર કાયદેસરની સરકાર ફરી સત્તા પર આવશે, ત્યારે સમજદારીથી ઉભી કરવામાં આવેલી ભાગીદારી ફરી મજબુત કરવામાં આવશે."

હસીનાએ જણાવ્યું હતું કે ધર્મનિરપેક્ષતા બાંગ્લાદેશની શક્તિનો મૂળ સ્ત્રોત રહી છે, હાલ ચાલી રહેલી હિંસાને કારણે માત્ર ભારત જ નહીં, પરંતુ દક્ષિણ એશિયાઈ દેશોમાં સ્થિરતા માટે પ્રયાસ કરી રહેલા દેશો માટે ચિંતાનું કારણ છે.