Mon Dec 08 2025

Logo

White Logo

તમે કૌશલ્ય, આત્મવિશ્વાસ અને ટીમવર્કથી જીત્યા... : ખૂબ ખૂબ અભિનંદનઃ વડા પ્રધાન મોદી

1 month ago
Author: Ajay Motiwala
Video

ભારતીય મહિલા ક્રિકેટરોએ રવિવારે પહેલી જ વખત વર્લ્ડ કપની ટ્રોફી જીતી


નવી દિલ્હીઃ ભારતીય મહિલા ક્રિકેટરોએ રવિવારે પહેલી જ વખત વર્લ્ડ કપની ટ્રોફી જીતી લીધી એ બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)એ હરમનપ્રીત કૌરના સુકાનમાં વિશ્વ વિજેતા બનેલી આ ભારતીય ટીમને ` એક્સ' પર અભિનંદન આપ્યા હતા અને તેમને ખૂબ બિરદાવી હતી.

પીએમ મોદીએ પ્રશંસાના સંદેશમાં લખ્યું છે, ` મહિલાઓના આઇસીસી વર્લ્ડ કપમાં ભારતીય ટીમે ઉત્કૃષ્ટ જીત મેળવી. તેમણે આ શાનદાર વિજય કૌશલ્ય તથા આત્મવિશ્વાસ જાળવી રાખીને મેળવ્યો અને આખી ટૂર્નામેન્ટમાં બહુ સારું ટીમવર્ક બતાવ્યું અને દૃઢતાપૂર્વક જીત હાંસલ કરી. આપણી તમામ ખેલાડીઓને હાર્દિક અભિનંદન. આ ઐતિહાસિક વિજય રાષ્ટ્રના ભાવિ ચૅમ્પિયનોને ખેલકૂદમાં કરીઅર બનાવવા પ્રેરિત કરશે.'

મહિલા વન-ડેમાં વર્લ્ડ ચૅમ્પિયન (World Champion) બનનાર ભારત ચોથો દેશ છે. આ પહેલાં ઑસ્ટ્રેલિયાએ સાત વખત, ઇંગ્લૅન્ડે ચાર વખત અને ન્યૂ ઝીલૅન્ડે એક વખત ટાઇટલ મેળવ્યું હતું.

વિમેન્સ વન-ડેમાં કોણ ક્યારે વર્લ્ડ ચૅમ્પિયન બન્યું

1973ઃ ઇંગ્લૅન્ડ

1978ઃ ઑસ્ટ્રેલિયા

1982ઃ ઑસ્ટ્રેલિયા

1988ઃ ઑસ્ટ્રેલિયા

1993ઃ ઇંગ્લૅન્ડ

1997ઃ ઑસ્ટ્રેલિયા

2000ઃ ન્યૂ ઝીલૅન્ડ

2005ઃ ઑસ્ટ્રેલિયા

2009ઃ ઇંગ્લૅન્ડ

2013ઃ ઑસ્ટ્રેલિયા

2017ઃ ઇંગ્લૅન્ડ

2022ઃ ઑસ્ટ્રેલિયા

2025ઃ ભારત

નોંધઃ

(1) પુરુષોની વન-ડેમાં પ્રથમ વર્લ્ડ કપ 1975માં રમાયો હતો, પરંતુ મહિલાઓમાં એના બે વર્ષ પહેલાં (1973માં) રમાયો હતો.

(2) મહિલાઓના પહેલા બે વર્લ્ડ કપમાં ફાઇનલ જ નહોતી રમાઈ. સૌથી ચડિયાતા પૉઇન્ટને આધારે અનુક્રમે ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયાએ વિજેતાપદ મેળવ્યું હતું.

વર્લ્ડ ચૅમ્પિયનોની બુધવારે મોદી સાથે મુલાકાત

હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતની વર્લ્ડ ચૅમ્પિયન ટીમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બુધવાર, પાંચમી નવેમ્બરે પાટનગર દિલ્હીમાં તેમના નિવાસસ્થાને મળશે એવું એક અહેવાલમાં જણાવાયું હતું. એક જાણીતી ક્રિકેટલક્ષી વેબસાઇટના અહેવાલ મુજબ બીસીસીઆઇને આ બાબતમાં વડા પ્રધાનના કાર્યાલયમાંથી સત્તાવાર આમંત્રણ મળ્યું છે. બુધવારે ગુરુનાનક જયંતી છે અને એ અવસર વિશ્વ વિજેતા ખેલાડીઓ માટે યાદગાર બની રહેશે. ચૅમ્પિયન ખેલાડીઓ મોદીને મળ્યા બાદ પોતપોતાના રાજ્યમાં પાછા જશે.