Mon Dec 22 2025

Logo

White Logo

અલખનો ઓટલોઃ : પરબ ધામના સંત કવિ હમીરો ભગત

8 hours ago
Author: ડૉ. નિરંજન રાજ્યગુરુ
Video

ડૉ. નિરંજન રાજ્યગુરુ

પરબના સાંઈ શેલાણીના શિષ્ય હમીર ભગતનો જન્મ જૂનાગઢ પાસેના ધણફૂલિયા ગામે વાલ્મીકિ-રૂખી જ્ઞાતિમાં થયેલો. જેમની સમાધિ ધણફૂલિયા ગામે આવેલી છે. (સંત દેવીદાસ પુસ્તકમાં હરસુર ગઢવીએ તેમને જામનગરના કુંભાર ભક્ત તરીકે ઓળખાવ્યા છે.)

પરબુંના પીરને કોઈ સમજાવીને કેજો રે…
રોઈ રોઈ અંખિયાં મેં તો લાલ કરી છે,
મારા નેણલે વરસે ઉના મેહ.
પરબના પીરને કોઈ સમજાવી કેજો રે…0

સાયાંજીની હાર્યે મારૂં સગપણ કીધું,
મારૂં જોબનિયું છે નાનું બાળ.
પરબના પીરને કોઈ સમજાવી કેજો રે…0

દેશ પરદેશના જોશીડા તેડાવો,
મારાં ઘડિયાં લગનિયાં લેવડાવો રે…
પરબના પીરને કોઈ સમજાવી કેજો રે…0

આલા રે લીલુડા રૂડા વાંસ વઢાવો,
મારા ચિતડામાં ચોરી ચીતરાવો રે…
પરબના પીરને કોઈ સમજાવી કેજો રે…0

સાયાંજીની સાથે મારી વરમાળા રોપાવો,
હું તો પ્રીતે પરણું રે…
પરબના પીરને કોઈ સમજાવી કેજો રે…0

સાંઈ શેલાણી ચરણે બોલ્યા હમીરો,
મને લાગી લગનિયાંની લે..
પરબના પીરને કોઈ સમજાવી કેજો રે…0

કરમણપીરના શિષ્ય સેલાનીશાએ ધોરાજીમાં જગ્યા બાંધેલી. પાછળથી ત્યાં હૂરબાઈ માતાજી નિવાસ કરતા.

સાંઈ મુંજા મહેરૂં રે કરો તો,
હમકો એસા સંત મિલત હે…

નિરખું નેણાંથી ભરપૂર,
દલડેથી રાખું નહીં એને દૂર,
સાંઈ મુંજા મહેરૂં રે કરો તો,
હમકો એસા સંત મિલત હે…0

કોણ તારી વાડી ખાવંદ કોણ વિસ્તારા ગુરુ મારા
કોણ રે ડાળી ને કોણ એનાં મૂળ?..
સાંઈ મુંજા મહેરૂં રે કરો તો,
હમકો એસા સંત મિલત હે…0

સત મારી વાડી ખાવંદ,
વચન વિસ્તારા ગુરુ મારા
દયા રે ડાળી ને ધરમ એનાં મૂળ..
સાંઈ મુંજા મહેરૂં રે કરો તો,
હમકો એસા સંત મિલત હે…0

ન્યાંથી ડગલાં પાછાં નહીં રે વળે રે ગુરુ મારા
પાટી રે થોડી ને પંથડો છે દૂર…
સાંઈ મુંજા મહેરૂં રે કરો તો, હમકો એસા સંત મિલત હે…0

કરમણ પ્રતાપે સાંઈ શેલાણી બોલ્યા ગુરુ મારા
હીરલો મળ્યો છે મોંઘેરા મૂલ..
સાંઈ મુંજા મહેરૂં રે કરો તો,
હમકો એસા સંત મિલત હે…0

(કેટલાક ભજનિકો આ રચના ગાતી વખતે માત્ર બોલ્યા સાંઈ શેલાણી…એમ નામાચરણ વાળે છે તો કેટલાક ભજનિકો ‘સાંઈ શેલાણીના ચરણે બોલ્યા દાસ હમીરો…’ એમ આ રચનાને હમીરાની રચના તરીકે સ્થાપે છે…)

મોબાઈલ યુટ્યૂબ પર પચીસેક જેટલા વિવિધ ભજનકલાકારોના કંઠેથી વિવિધ પાઠાંતરો- શબ્દાંતરો સાથે આ ભજન વિવિધ રાગ-તાલ-સંગીતમાં સાંભળવા મળે છે… પરબના ફકીર જ્ઞાતિના સહેલાણશાહ-શેલાણી સાંઈનાં બહેન હતાં
માઈ સાહેબ-ગોંડલમાં કોલેજ ચોક પાસે માઈ સાહેબમાંનો તકિયો છે. જ્યાં દર વર્ષે મેળો-ઉર્સ ભરાય છે.

પરબના સ્થાનકે આજે દર વર્ષે અષાઢી બીજના દિવસે ભવ્ય મેળો ભરાય છે અને લાખો માણસો ભજન અને ભોજનનો લાભ લેવા ઊમટી પડે છે. ગુજરાતના તમામ ખ્યાતનામ ભજનિકો અને ભજન કલાકારો ત્રણ ત્રણ રાત્રિ સુધી સળંગ ભજનગાન કરતા રહે છે.