Mon Dec 22 2025

Logo

White Logo

આચમનઃ : ઇશ્વરનું શ્રેષ્ઠ સર્જન ઇન્સાન તું થયો છે હેવાન

7 hours ago
Author: અનવર વલિયાણી
Video

અનવર વલિયાણી

દૂરથી માસ્તરને સાઇકલ પર આવતા જોઇ વિનુ દોડતો ઉપરના ખંડમાં પહોંચી ગયો. ‘ડેડી’ ટીચર આવે છે.
તે ટેલિફોન પર વાત કરી રહ્યા હતા. ‘અરે ભાઇ, પચાસ-સાઇઠ હજાર થાય તો ભલે પણ બર્થ ડે પાર્ટી ફર્સ્ટ ક્લાસ થવી જોઇએ સમજયા.’

રિસીવર મૂકી તે વિનુને પૂછે તે પહેલાં માસ્તર સીડી ચઢી ઉપર આવ્યા. માસ્તરને જોતાં તેમણે પિત્તો ગુમાવ્યો. વિનુ હળવેકથી નીચે ઊતરી પડયો.

‘મનુ પ્રસાદ તમે ટયુશન-ફીની ઉઘરાણી કરવા આવ્યા છો, તે હું જાણું છું. પણ તમને ખબર છે. વિનુના માર્કસ કેટલા આવ્યા છે? ફકત પચાસ ટકા ને તમે ફી ફર્સ્ટ કલાસની લો છો.

સ્કૂલમાં આખો દિવસ ભણાવતા બોલ્યે ન થાકતા માસ્તર અહીં બે શબ્દો બોલતાય એકદમ થાકી ગયા. તે કશું જ બોલી શકયા નહીં. ચૂપચાપ ધીમે પગલે તે સીડીના પગથિયાં ઊતરી નીચે આવ્યા. સામે હાથમાં ગ્લાસ લઇ ઊભેલા વિનુ તેમની નજદીક આવ્યો. તેની આંખમાં આંસુ હતાં.

‘સર, આ શરબતા’ આંગળીથી ગાલ સરકી રહેલ અશ્રુને લૂછતાં કહે : ‘સર: સર, આખી જિંદગી તમારો ઉપકાર નહી ભૂલું.’
માસ્તર વિનુનો ચહેરો કેટલીક ક્ષણો સુધી જોઇ રહ્યા પછી તેના માથે હાથ મૂકી કહે બેટા મને મારી ફી મળી ગઇ.

આશ્રય સ્થાન:

ગામમાંથી કોઇ માણસ શહેરમાં આવે છે. શહેરમાં પહોંચીને પોતાનો સરસામાન કોઇ સુરક્ષિત જગ્યાએ મૂકીને તે ફરવા નીકળે છે.

આખો દિવસ ફરી ફરીને રાત્રે નિયત સ્થળે પહોંચી જાય છે અને નિશ્ર્ચિંત બનીને સૂઇ રહે છે.

શરૂઆતમાં જ જો તેણે આરામની જગ્યા ખોળી લીધી ન હોત તો રાત્રે થાકયા પાક્યા પાછા ફર્યા પછી તેને ઘણી જ તકલીફ પડત.

બોધ…

સંસારના કલેશોથી થાકેલા મનનો આશરો ઇશ્વર-અલ્લાહ-ગોડ છે. એ સ્થાન પોતા માટે ખોળી રાખો; નહીંતર લટકતા રહેશો.

  • સુખ-ભોગનો સમય પૂરો થતાં અંધકાર છવાઇ જશે એ વખતે તમને આશ્રય સ્થાનની જરૂર પડશે.
  • આ મનુષ્ય જન્મ જે દુર્લભ છે તે મળ્યા છતાં ઇશ્વર-પ્રભુની પ્રાર્થના ન થાય તેના દર્શન ન થાય અને ખુદાના દિદાર ન થાય તેનું જીવન અર્થહિન છે, નકામું છે.

મુક્તિનો માર્ગ

હવામાં ઉડતી બુલબુલ પીંજર પડે છે જયારે
દિલમાં તલબ કરે છે અહીંથી છુટીશ કયારે?
ઇશ્વરનું શ્રેષ્ઠ સર્જન ઇન્સાન તું થયો છે
હેવાન કરતા ઉતમ તુજમાં એ ગુણ કયો છે?
હેવાન ખાય, પીએ છે, બચ્ચા કરે પયદા
તેવા જ તારા ધંધા, કરણી તું શું કરે છે?
શ્રદ્ધા તણી એ મૂડી દિલથી વિસારી દીધી
સેતાન તણી જે શીખો દિલમાં ઉતારી લીધી !
વિચાર કર તું ઇન્સાન જગથી તરી જવાનો
સારો છે એક જ રસ્તો જીવતાં મરી જવાનો.