મુંબઈઃ મહારાષ્ટ્ર ઓનરશિપ ઓફ ફ્લેટ એક્ટ (MOFA) હવેથી ફક્ત એવા પ્રોજેક્ટ્સ પર જ લાગુ થશે જે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA)માં નોંધાયેલા નથી. આ સંદર્ભમાં રાજ્ય કેબિનેટ દ્વારા દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. સુધારેલ પ્રસ્તાવ નાગપુર અધિવેશનમાં રજૂ કરવામાં આવ્યો હતો, તેથી રેરાની સ્થાપના પછી નોંધાયેલા બધા જ પ્રોજેક્ટને 'મોફા' કાયદો લાગુ પડશે નહીં.
આ સુધારેલ વિધેયકમાં મોફા કાયદાની કલમ 1 સાથે નવી કલામ 1A જોડવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. મોફા કાયદો ફક્ત રેરામાં નોંધણી ન કરેલા હાઉસિંગ પ્રોજેક્ટને લાગુ રહેશે, એવી સ્પષ્ટતા આ વિધેયકમાં કરવામાં આવી છે. આ નવી કલમથી રેરા કાયદામાં સમાવિષ્ટ ન હોય તેવા હાઉસિંગ પ્રોજેક્ટને ફાયદો થશે.
આ પૂર્વે મોફા કાયદો બધા જ હાઉસિંગ પ્રોજેક્ટ પર લાગુ હતો. 500 ચોરસ મીટર ભૂખંડ વાળા, અથવા આઠ ઘર હોય તેવા રેરાની સ્થાપના પહેલા ઓક્યુપેશન સર્ટિફિકેટ મેળવનારા અને પુનર્વિકાસ પ્રોજેક્ટ રેરા કાયદાની કલમ 3(1) હેઠળ બાકાત રાખવામાં આવ્યા હતા. હવે ફક્ત તે જ પ્રોજેક્ટને મોફા કાયદો લાગુ પડશે, તેવી આ વિધેયકમાં સ્પષ્ટતા કરવામાં આવી છે.
ડેવલપર દ્વારા કરવામાં આવતી કોઈપણ છેતરપીંડી મોફા કાયદાની કલમ 13(1) અને (2) અંતર્ગત બિનજામીન પાત્ર ગુનો છે. ગુનો સાબિત થતા સંબંધિત ડેવલપરને ત્રણ વર્ષની સજા થઇ શકે છે. આ કારણે જ મોફા કાયદામાંથી છૂટ મળે એવી ઘણા વર્ષોથી ડેવલપર માંગ કરી રહ્યા હતા. જે આખરે મંજૂર થઇ છે.રેરા કાયદો પણ ડેવલપર પર લગામ તાણાવાણામાં ઊણો ઉતર્યો છે, ત્યારે મોફા કાયદાનો ડર ચાલ્યો જતાં, વિકાસકોને મોકળું મેદાન મળશે, તેવી પ્રતિક્રિયા મુંબઈ ગ્રાહક પંચાયતના કાર્યકર શિરીષ દેશપાંડેએ વ્યક્ત કર્યા છે.
2014માં મહારાષ્ટ્ર ગૃહનિર્માણ (નિયમન અને વિકાસ) કાયદો લાગુ થવાથી મોફા કાયદો રદ થયો હોવાનો દાવો કોર્ટમાં ચાલુ સુનાવણી દરમ્યાન કરવામાં આવ્યો હતો. કોર્ટે આ અંગે ગૃહનિર્માણ વિભાગ પાસે સ્પષ્ટતા માંગતા ગૃહનિર્માણ વિભાગે નિધિ અને ન્યાય વિભાગ પાસે અભિપ્રાય માંગ્યો હતો. ત્યારે શરુઆતમાં મોફા કાયદો અસ્તિત્વમાં હોવાનું કહેવામાં આવ્યું, પરંતુ ત્યારબાદ રેરા કાયદો આવતા મોફા કાયદો રદ થયો હોવાનું જણાવ્યું હતું.
તેથી ગૃહનિર્માણ વિભાગમાં ગૂંચવણ ઉભી થઇ હતી. આખરે રાજ્યના એડવોકેટ જનરલનો અભિપ્રાય લેવામાં આવ્યો. તેમની પાસેથી પણ અસ્પષ્ટ અભિપ્રાય મળ્યો હતો. હવે સુધારેલ વિધેયકમાં મોફા કાયદાનું કાર્ય ક્ષેત્ર રેરા અંતર્ગત ન નોંધાયેલા પ્રોજેક્ટ પૂરતું સીમિત રહેશે.
ગ્રાહક સંગઠન અને સહકારી સોસાયટીઓ દ્વારા આ વિધેયકનો વિરોધ થવાની પ્રબળ સંભાવના છે. કારણકે, રેરા હેઠળ નોંધાયેલા પ્રોજેક્ટમાં પણ ગ્રાહકોની ફસામણી થતી હોય, તો તેમાં સામેલ ન હોય તેવા વિકાસકો પર કેવી રીતે નિયંત્રણ રહેશે? તેવો ભય નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. તે ઉપરાંત રેરા કાયદામાં ડીમ્ડ કન્વેયન્સની જોગવાઈ જ નથી. તેથી રેરા હેઠળ નોંધાયેલા પ્રોજેક્ટને મોફાથી બાકાત રાખવું અયોગ્ય કહેવાશે તેવો મત વ્યક્ત કરાઈ રહ્યો છે.