Mon Dec 08 2025

Logo

White Logo

ભારતીય મૂળનો આ ખેલાડી ટી-20 ફૉર્મેટમાં 600મી : વિકેટ લેનાર વિશ્વનો પહેલો બોલર બન્યો

Abu Dhabi   3 days ago
Author: Ajay Motiwala
Video

અબુ ધાબીઃ દાયકાઓથી મોટા ભાગે વેસ્ટ ઇન્ડિઝના ફાસ્ટ બોલર્સની જ બોલબાલા રહી છે, પણ એમાં જો તેમનો કોઈ સ્પિનર કોઈ વિરલ સિદ્ધિ મેળવે તો સોનામાં સુગંધ ભળી એમ કહેવું પડે અને સુનીલ નારાયણે (Sunil Naraine) આ કરી દેખાડ્યું છે. ભારતીય મૂળનો આ રાઇટ-આર્મ ઑફબ્રેક બોલર સમગ્ર સ્પર્ધાત્મક ટી-20 ક્રિકેટમાં 600 વિકેટ લેનાર વિશ્વનો પહેલો જ બોલર બન્યો છે.

37 વર્ષના આ સ્પિનરે (Spinner) બુધવારે શારજાહમાં ઇન્ટરનૅશનલ લીગ ટી-20 (આઇએલટી-20) નામની ટૂર્નામેન્ટમાં મેળવી હતી. આ સ્પર્ધામાં તે અબુ ધાબી નાઇટ રાઇડર્સ ટીમમાં છે અને શારજાહ વૉરિયર્ઝ નામની ટીમ સામેની મૅચમાં તેણે ટૉમ ઍબેલ નામના બૅટસમૅનની જે વિકેટ લીધી એ નારાયણની 600મી ટી-20 વિકેટ હતી.

નારાયણે આ સિદ્ધિ મેળવી ત્યાર બાદ (મૅચ પછી) અબુ ધાબી નાઇટ રાઇડર્સ ટીમના ફ્રૅન્ચાઇઝીએ તેને 600 નંબરવાળી સ્પેશ્યલ જર્સી ભેટ આપી હતી.

21મી સદીની શરૂઆતમાં ટી-20 ફૉર્મેટની શરૂઆત થઈ ત્યારે કહેવાતું હતું કે આ ટૂંકા ફૉર્મેટમાં સ્પિનર્સની બોલિંગ ચીંથરેહાલ થતી જોવા મળશે અને ફાસ્ટ બોલર્સની બોલબાલા રહેશે. જોકે ટી-20 ક્રિકેટમાં સૌથી પહેલાં 600 વિકેટની સિદ્ધિ ટ્રિનિદાદના સ્પિનરે (નારાયણે) મેળવી એ સાથે આ ફૉર્મેટની ક્રિકેટમાં નવું પ્રકરણ શરૂ થયું છે.

ઉલ્લેખનીય છે કે સુનીલ નારાયણ કુલ 568 ટી-20 મૅચ રમ્યો છે અને એમાં 558 ઇનિંગ્સમાં તેણે બોલિંગ કરી છે. આ 558 ઇનિંગ્સમાં તેણે કુલ 12,899 બૉલ ફેંક્યા છે અને એમાં 13,255 રનના ખર્ચે 600 વિકેટ લીધી છે. 19 રનમાં પાંચ વિકેટ તેનો એક દાવમાં બેસ્ટ પર્ફોર્મન્સ છે. તેણે એક મૅચમાં ચાર કે ચારથી વધુ વિકેટ 12 વખત લીધી છે.