પણજીઃ સચિન તેન્ડુલકર ક્રિકેટના મેદાનથી દૂર થઈ ગયો એને 12 વર્ષ થઈ ગયા, પરંતુ સમયાંતરે તેના પરિવારના કોઈ મેમ્બરનો સોશ્યલ મીડિયામાં ઉલ્લેખ થતો રહેતો હોય છે. અર્જુન તેન્ડુલકર મુંબઈની ટીમ છોડીને ગોવાની ટીમમાં જોડાયો ત્યાર પછી તે વધુ ચર્ચામાં રહે છે અને હાલમાં તે ગોવા વતી વિજય હઝારે ટ્રોફી વન-ડે ટૂર્નામેન્ટમાં રમી રહ્યો છે એટલે ફરી તેનું નામ ક્રિકેટમાં ચર્ચાઈ રહ્યું છે, પરંતુ આ વખતે સચિનની પુત્રી સારા તેન્ડુલકર (Sara Tendulkar)ને ગોવા સાથે મીડિયાની ડિબેટમાં સાંકળી લેવામાં આવી છે.
બની શકે કે સારા તેન્ડુલકર ગોવામાં મિત્રો કે સગાંસંબંધીઓ સાથે હૉલિડે માણવા ગઈ હશે, પણ તેના હાથમાં એક બૉટલ હતી એને લઈને વીડિયો (Video) વાઇરલ થયો છે.
વીડિયો ક્લિપમાં જોવા મળે છે કે રેડ ફ્લોરલ મિની ડ્રેસમાં સજ્જ સારા તેના ત્રણ મિત્રો સાથે જઈ રહી છે અને તેના હાથમાં બૉટલ છે જેનો વીડિયો નજીકથી પસાર થતી કોઈ વ્યક્તિએ લઈ લીધો હશે અને વાઇરલ કર્યો હશે. વીડિયોની કૅપ્શનમાં એવું લખવામાં આવ્યું છે કે સારા બિયરની બૉટલ સાથે જઈ રહી હતી અને એ જ મુદ્દો સૌથી વધુ ચર્ચામાં છે.
આ વીડિયો ગોવાના ઍરોસિમ બીચ (Beach) નજીકનો છે. કેટલાકે સારાના આ વીડિયોને આધારે ટીકાત્મક ટિપ્પણી કરી છે, જ્યારે અમુકનું એવું કહેવું છે કે રજનું ગજ કરી નાખવામાં આવ્યું છે. એક નેટ યુઝરે ત્યાં સુધી લખ્યું છે કે ` સચિને એક સમયે જાહેરાત કરી હતી કે તે ક્યારેય આલ્કોહૉલ તથા તમાકુને પ્રમોટ નહીં કરે, પણ તેની જ પુત્રી સારા ગોવાના રસ્તા પર આ રીતે જોવા મળી!'