મુંબઈ: રાજકુમાર હિરાનીની 2009માં આવેલી ‘3 ઇડિયટ્સ’ ફિલ્મે બોક્સ ઓફિસ પર નવા માપદંડો ઊભા કર્યા હતા. ‘3 ઇડિયટ્સ’ ફિલ્મે ઘણી નામના અને કમાણી મેળવી હતી. આ ફિલ્મે ઘણા એવોર્ડ પણ મેળવ્યા હતા. આ ફિલ્મની અન્ય ભાષાઓમાં રિમેક પણ બનાવવામાં આવી છે. જોકે, 16 વર્ષ બાદ ‘3 ઇડિયટ્સ’ ફિલ્મની સિક્વલ બનશે એવી અટકળો વહેતી થઈ છે.
બમન ઈરાનીએ સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ
ચેતન ભગતની નોવેલ 'ફાઇવ પોઇન્ટ સમવનના આધારે રાજકુમાર હિરાનીએ ‘3 ઇડિયટ્સ’ ફિલ્મ બનાવી હતી. જેમાં આમિર ખાન, આર. માધવન, શર્મન જોશી અને કરીના કપૂર ખાન મુખ્ય ભૂમિકામાં હતા. બોમન ઈરાની અને ઓમી વૈદ્યે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મ રિલીઝ થયાને આજે 16 વર્ષ પૂરા થયા છે. જેને લઈને બમન ઈરાનીએ ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી હતી.
બમન ઈરાનીની ઇન્સ્ટાગ્રામ એઆઈ જનરેટેડ હતી. જેમાં બમન ઈરાની પ્રૉફેસર વિરૂ સહસ્ત્રબુદ્ધેના ગેટઅપમાં સફેદ બોર્ડ પર 'સેલિબ્રેટિંગ 16 યર ઓફ 3 ઇડિયટ્સ" લખતા દેખાય છે. આ એઆઈ જનરેટેડ વીડિયોને જોઈને ‘3 ઇડિયટ્સ’ ફિલ્મના ફેન્સ એક્સાઈટેડ થઈ ગયા છે. ફેન્સને કડક સ્વભાવ ધરાવતા પ્રૉફેસર વિરૂ સહસ્ત્રબુદ્ધેની યાદ તાજી થઈ ગઈ છે.
‘3 ઇડિયટ્સ’ ફિલ્મમાં પ્રૉફેસર વિરૂ સહસ્ત્રબુદ્ધેના એવા ઘણા ડાયલોગ છે, જે આજે પણ યાદગાર છે. તેમના ડાયલોગ પર આજે પણ મીમ્સ બની રહ્યા છે. જેનો લોકો અવારનવાર ઉલ્લેખ પણ કરતા હેય છે.
‘3 ઇડિયટ્સ’ ફિલ્મની સિક્વલ બનશે
ઉલ્લેખનીય છે કે, ફિલ્મી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજુકુમાર હિરાનીએ ‘3 ઇડિયટ્સ 2' ફિલ્મની સ્ક્રિપ્ટ ફાઈનલ કરી દીધી છે. ફિલ્મની સિક્વલમાં આમિર ખાન, આર. માધવન, શર્મન જોશી અને કરીના કપૂર ખાન જોવા મળી શકે છે. પરંતુ આ ફિલ્મની સિક્વલને લઈને શર્મન જોશીએ મીડિયાને જણાવ્યું હતું કે, મને સંપૂર્ણ આશા છે કે, આવું થશે, પરંતુ મને હજુ સુધી આ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. 2026માં ‘3 ઇડિયટ્સ 2' સિક્વલનું શુટિંગ શરૂ થઈ જશે એવું ફિલ્મી સૂત્રો અનુમાન લગાવી રહ્યા છે.