બોલીવૂડની છૈય્યા છૈય્યા ગર્લ મલાઈકા અરોરા અને અરબાઝ ખાનના છૂટાછેડાને વર્ષો વીતી ગયા હોવા છતાં આજે પણ આ વિષય ચર્ચામાં રહે છે. મલાઈકા પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં આવતી રહી છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં મલાઈકાએ પોતાની પર્સનલ લાઈફ, છૂટાછેડા સમયે અનુભવેલું સામાજિક દબાણ અને ભવિષ્યમાં લગ્ન વિશેના પોતાના વિચારો પર ખુલીને વાત કરી છે.
મલાઈકા અરોરાએ અરબાઝ સાથેના ડિવોર્સ અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે મને કોઈ પસ્તાવો નથી. અહીંયા તમારી જાણકારી માટે કે મલાઈકા અરોરા અને અરબાઝ ખાને 1998માં લગ્ન કર્યા હતા અને 19 વર્ષના લગ્નજીવન બાદ 2017માં બંને જણ છુટા પડ્યા હતા. મલાઈકાએ સ્વીકાર્યું હતું કે આ નિર્ણય લેવો તેના માટે જરાય સરળ નહોતો, કારણ કે તેની આસપાસના લોકો જ તેના પર સવાલો ઉઠાવ્યા હતા.
હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં મલાઈકાએ જણાવ્યું હતું કે જ્યારે મેં અરબાઝ ખાનથી છુટા પડવાનો નિર્ણય લીધો ત્યારે માત્ર લોકોએ જ નહીં મારા ખુદના મિત્રો અને પરિવારે પણ મને ખૂબ જજ કરી હતી. દરેક વ્યક્તિએ મારા નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા. લોકો કહેતા હતા કે તું તારી ખુશીને સૌથી ઉપર કેવી રીતે રાખી શકે? તેમ છતાં, હું મારા નિર્ણય પર અડગ રહી અને આજે મને તેનો કોઈ પસ્તાવો નથી.
મલાઈકાએ આગળ એવું પણ જણાવ્યું હતું કે એ સમયે મને બિલકુલ ખબર નહોતી કે ભવિષ્યમાં શું થશે, પણ મને એટલી ખબર હતી કે મારે મારી જિંદગીમાં આ પગલું ભરવું જ પડશે. મારા માટે મારું ખુશ રહેવું સૌથી વધુ મહત્વનું હતું. હું તે સમયે એકલા રહીને પણ ખુશ હતી અને તે જ મારા માટે પૂરતું હતું.
બીજા લગ્ન વિશે વાત કરતા મલાઈકાએ એવી સ્પષ્ટતા કરી હતી કે હું લગ્ન સંસ્થામાં વિશ્વાસ રાખું છું, પણ એનો અર્થ એ નથી કે તે મારા માટે જ બની છે. મારા લગ્ન થઈ ચૂક્યા છે અને હું તેમાંથી આગળ વધી ગઈ છું. હું અત્યારે ખૂબ જ સંતુષ્ટ અને ખુશ છું. હાલ લગ્ન કરવાની મારી કોઈ ઈચ્છા નથી. જો ભવિષ્યમાં કોઈ સારું પાત્ર મળ્યું તો ચોક્કસ એ વિશે વિચાર કરીશ.
અર્જુન કપૂર સાથેના બ્રેકઅપના સમાચારો વચ્ચે મલાઈકાએ કહ્યું કે, મને પ્રેમનો વિચાર ગમે છે. મને કોઈ સુંદર સંબંધને નિભાવવો અને પ્રેમ વહેંચવો ગમે છે. હું નિરાશ નથી, મને હજુ પણ મારી જિંદગી માટે વિશેષ ખૂબ લગાવ છે. મલાઈકા સોશિયલ મીડિયા પર ખાસ્સી એવી એક્ટિવ રહે છે. તે પોતાના વર્ક આઉટ કરતાં કે પછી લેટેસ્ટ ફોટોશૂટના ફોટો કે વીડિયો શેર કરતી રહી છે.