Thu Jan 01 2026

Logo

White Logo

મોતની ગટર: માધાપરમાં ગટરના કામમાં ભેખડ ધસતા આધેડનું મોત, : નખત્રાણામાં માર્ગ અકસ્માતે યુવકનો ભોગ લીધો

1 hour ago
Author: MayurKumar Patel
Video

મૃતક ૫૦ વર્ષીય જાદવજી વિશ્રામ ભુડિયા


(અમારા પ્રતિનિધિ તરફથી)

ભુજઃ માધાપર ગામના નવાવાસના ઐશ્વર્યાનગરથી પટેલવાડી બાજુ જતા માર્ગ પર ચાલી રહેલા ગટર લાઇનના કામ દરમ્યાન અચાનક ભેખડ ધસી પડતા ૫૦ વર્ષીય જાદવજી વિશ્રામ ભુડિયાનું ભેખડ તળે દબાઇ જતાં મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય બે યુવકોનો ચમત્કારિક બચાવ થયો હતો.

આ દુર્ઘટના અંગે માધાપર પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી મુજબ, ગત સાંજે ઐશ્વર્યાનગરથી પટેલવાડી તરફ જતા માર્ગ પર નવી ગટરની લાઇન બિછાવવાનું કામકાજ ચાલી રહ્યું હતું. આ કામ દરમ્યાન જે.સી.બી.થી વડે ખોદવામાં આવેલી લાઈનની નીચે આવેલા પથ્થરને હેમર મશીનથી તોડવામાં આવી રહ્યો હતો એ વેળાએ ગટરની ભેખડ ધસી પડતા ત્યાંથી પસાર થઇ રહેલા જાદવજી અને અન્ય બે શ્રમિકો રેતીના ઢગલા તળે દબાઇ ગયા હતા.

ઊંડાણમાં દટાયેલા જાદવજીનું ગૂંગળાઈ જવાથી મોત થયું હતું જયારે અન્ય બેનો આબાદ બચાવ થયો હતો. દરમ્યાન, મૃતકના પરિજનોએ જાદવજીના નેત્રદાનની ઇચ્છા દર્શાવતા તેમના નેત્રનું દાન કરાયાનું માધાપર નવાવાસના પૂર્વ ઉપસરપંચ અરજણ ભુડિયાએ જણાવ્યું હતું.

વધુ એક આકસ્મિક મૃત્યુનો બનાવ નખત્રાણાના અકસ્માત ક્ષેત્ર બની ચૂકેલા વથાણ ચોક ખાતે બનવા પામ્યો હતો જેમાં નમકનું પરિવહન કરતા ડમ્પર તળે આવી ગયેલા ૩૩ વર્ષીય હીરા બુધાભાઈ રબારી નામના પશુપાલકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

નખત્રાણા પોલીસના જણાવ્યા પ્રમાણે, ગત સાંજના છ વાગ્યાના અરસામાં નાના નખત્રાણાનો હીરા રબારી વથાણ ચોકના આનંદનગર નાકા પાસેથી પસાર થઇ રહ્યો હતો એ દરમ્યાન હાજીપીરથી નમક લઈને પસાર થઇ રહેલાં ટ્રેઈલર (નં. જી.જે-૧૨ સીટી-૫૭૦૬)એ યુવકને હડફેટમાં લેતાં ગંભીર ઇજાઓને પગલે પશુપાલકનું બનાવ સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું.

ટ્રેઇલરને સાઈડમાં ઉભું રાખીને નાસી છૂટેલા ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હતભાગી નાના નખત્રાણા મધ્યે આવેલાં પ્રસિદ્ધ મેલડી માતાજી મંદિરના ભોપા (પૂજારી)નો પુત્ર હોવાનું પી.આઈ. એ.એમ. મકવાણાએ જણાવ્યું હતું.

દરમ્યાન, ત્રણ દિવસ અગાઉ ભુજ તાલુકાના ધાણેટી ગામ પાસે ૩૫ વર્ષીય ચાવડા જેસંગ કોલી (ડુંગરાણી) (રહે.શિકરા,તા.ભચાઉ) નામના ક્લીનરનું ડમ્પર અડફેટે ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું. આ અંગે ગઇકાલે પોલીસમાં મૃતકના પિતા જેસંગએ દાખલ કરાવેલી ફરિયાદ મુજબ તેનો પુત્ર ટ્રકના ક્લીનર તરીકે નોકરી કરતો હતો અને ગત તા. ૨૯-૧૨ના રોજ સાંજના સમયે ધાણેટી ગામ પાસે ટ્રકના કાચ સાફ કરવા ઊભો હતો ત્યારે પૂરપાટ વેગે ધસી આવેલા ડમ્પર (નં જી.જે-૨૨ યુ-૪૪૪૪)એ પુત્રને અડફેટે લેતાં માથામાં ગંભીર ઇજાને પગલે તેનું મૃત્યુ નીપજ્યું હતું.
ડમ્પર ચાલક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.