હેન્રી શાસ્ત્રી...
કહેવા માટે, સત્તાવાર રીતે, નાતાલનો પ્રારંભ-બિગિનિંગ ઓફ ક્રિસમસ આવતી કાલથી, 25 ડિસેમ્બરથી થાય છે. જોકે, ઉજવણીના કેટલાક ઉત્સાહી પ્રદેશ છે જ્યાં વરસના 365 દિવસ તહેવારની ઉજવણી થાય છે. 56 લાખના વસતિ ધરાવતા યુરોપિયન દેશ ફિનલેન્ડનું રોવેનયામી શહેર એનું જ્વલંત ઉદાહરણ છે. રોવેનયામીમાં સાંટા ક્લોઝ વિલેજ આવેલું છે, જે સાંટા (કે સાન્તા) ક્લોઝના સત્તાવાર હોમટાઉન તરીકે નામના ધરાવે છે. અહીં કોઈ પણ ઋતુમાં સહેલાણીઓ સાંટા ક્લોઝને મળી શકે છે.
આ ગામમાં સાંટાની મુખ્ય પોસ્ટ ઓફિસ આવેલી છે, જ્યાંથી વિશિષ્ટ શૈલીના સ્ટેમ્પિંગ કરેલા ક્રિસમસ પોસ્ટકાર્ડ તમારા પ્રિયજનોને મોકલવાની સગવડ છે અને એ ક્રિસમસ ટાણે જ પહોંચી જાય એની તકેદારી રાખવામાં આવે છે. અહીં વિવિધ આકર્ષણો છે, પણ એ બધામાં સાંટા ક્લોઝ સિક્રેટ ફોરેસ્ટ એકદમ અલાયદું છે. આ જંગલમાં ફાનસના પ્રકાશનું અજવાળું, એલ્વ્ઝ તરીકે ઓળખાતા જાદુઈ શક્તિ ધરાવતા અલૌકિક પ્રાણીના ગાયન વગેરેને કારણે ક્રિસમસનો તહેવાર જીવંત બને છે.
અહીં એક વાસ્તવિક ટોય ફેક્ટરી જોવાની તક મળે છે જ્યાં બાળકોને રમકડાં કેવી રીતે બનાવાય એ શીખવા મળે છે અને વિવિધ રમતોમાં પણ સહભાગી થઈ શકાય છે. વિશ્વની આ એકમાત્ર જગ્યા છે જ્યાં નાતાલ સંબંધી અનેક રહસ્ય સમજવાની તક મળે છે. રેઈન્ડિયરને નજીકથી જોવાનો મોકો મળે છે અને એના દ્વારા હાંકવામાં આવતા સ્લેજ નામના વાહનમાં અઢી કિલોમીટરનો પ્રવાસ એક સંભારણું બની રહે છે.
રેહને કો તો ઘર નહીં હૈ, હમ દેંગે ફ્લેટ તુમ્હારા!
રશિયન લેખક દોસ્તોવ્ય્સકીની નવલકથા પર આધારિત ફિલ્મ માટે સાહિર લુધિયાનવી ગીત લખી ગયા છે કે ‘ચીન -ઓ -અરબ હમારા, હિન્દોસ્તાં હમારા, રેહને કો ઘર નહીં હૈ, સારા જહાં હમારા’... કર્મચારીઓ નોકરી છોડી બીજે ન જતા રહે એ માટે એક ચાઈનીઝ કંપનીએ સાહિર સાબની ભાવનાને અલગ અંદાજમાં નિહાળવાની કોશિશ કરી છે. ચીની અખબારમાં પ્રગટ થયેલા અહેવાલ અનુસાર પાંચ વર્ષ સુધી કંપનીમાં ટકી રહેલા કર્મચારીઓને ફુલ્લી ફર્નિશ્ડ્ ફ્લેટ ગિફ્ટ તરીકે આપવામાં આવશે. ઓટોમોટિવ ફાસ્ટનર જેવી ભારે ડિમાન્ડમાં રહેલી પ્રોડક્ટ બનાવતી કંપનીએ કામમાં નિપુણતા-કુશળતા ધરાવતા કર્મચારીઓ બીજી જગ્યાએ ભાગી ન જાય એ હેતુથી આવી લાલચ આપવામાં આવી છે.
સોશ્યલ મીડિયામાં પણ આ કંપની ચર્ચાનું કેન્દ્ર છે અને ઘરબાર વિનાના લોકો એમાં નોકરી મેળવવા થનગની રહ્યા છે. આ વર્ષે પાંચ કર્મચારીને ફ્લેટની ચાવી સોંપવામાં આવતા આ કોઈ ગાજર નથી એની ખાતરી થઈ ગઈ છે. સવાથી દોઢ કરોડ રૂપિયાની વેલ્યૂ ધરાવતા 1100 થી 1600 સ્કવેર ફીટના વિશાળ ફ્લેટ રાતી પાઈ ખર્ચ્યા વિના અને આ પણ ઓફિસથી માત્ર 5 કિલોમીટરના અંતરે મળે તો કોને ન ગમે? સ્કીમનો લાભ લેનારા કર્મચારી રિનોવેશન થયા પછી એમાં રહેવા જઈ શકે છે. નોકરીનાં પાંચ વર્ષ પૂર્ણ થતા ફ્લેટ એના નામે થઈ જશે અને ત્યારબાદ બીજા પાંચ વર્ષ એમાં રહેવું ફરજીયાત છે. અને હા, રિનોવેશનના પૈસા કર્મચારી પાસેથી વસૂલ કરવામાં આવશે.
યે બુંદેલખંડ એક્સપ્રેસ વે હૈ, તુમ્હારા રિયાલિટી શો નહીં...
ટીવીની નાનકડી દુનિયામાં ભાભીજી બહુ મોટું નામ છે. 10 વર્ષથી ચાલી રહેલી ‘ભાભીજી ઘર પર હૈં’ના 2700 એપિસોડ થયા છે અને ‘ધુરંધર’ની સફળતાનાં ગવાયેલા ગીતમાં ‘ભાભીજી...’ ધારાવાહિકની અભિનેત્રી સૌમ્યા ટંડન માટે પણ તાળીઓ પાડવામાં આવી છે. એમાં લેટેસ્ટ ઉમેરો થયો છે ઉત્તર પ્રદેશનાં ‘રીલ ભાભી’નો. સોશ્યલ મીડિયા પર છવાઈ જવાના ગાંડપણમાં લપેટાયલાં અનેક સન્નારીઓની માફક યુપીનાં ભાભીજી કાયદાની લપેટમાં આવી ગયાં છે.
વાત એમ છે કે શ્રીમાન લાલ સિંહ ચૌહાણ પત્ની (ભાભીજી) સાથે બૂંદેલખંડ એક્સપ્રેસ વે પર કાર ટ્રાવેલ કરી રહ્યા હતા. અચાનક ભાભીજીને સોલો ચડ્યો અને કાર અટકાવી, બોનેટ પર ચડી જાણે કે ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ની સિક્વલ માટે ઓડિશન આપતા હોય એવી અદા સાથે પરફોર્મ કર્યું, સિંહ સાહેબે હોંશથી રીલ બનાવી અને આદિત્ય ચોપડાની નજરે પડે તો લાઈફ બની જાય એવા શેખચલ્લી વિચાર સાથે સોશ્યલ મીડિયા પર પોસ્ટ સુધ્ધાં કરી.
વિના મૂલ્યે મનોરંજનથી લોકોને તો જલસા પડ્યા, પણ પોલીસે આંખ લાલ કરી. ‘ઝંઝીર’ના અમિતાભની સ્ટાઈલમાં ‘યે બુંદેલખંડ એક્સપ્રેસ વે હૈ, તુમ્હારા રિયાલિટી શો નહીં’ એવા આદેશ સાથે કાનપુર આરટીઓ તરફથી 22 હજાર 500 રૂપિયાનો દંડ ભાભીજીને ફટકારવામાં આવ્યો છે. ભાભીજીની રીલ તૈયાર કરનારા લાલભાઈને પણ ફેમિલી કારને ટીક ટોક ટ્રોલી બનાવી દેવા બદલ 10 હજાર રૂપિયાનો દંડ ભરવા ફરમાન મોકલ્યું. દંડ ફટકારી પોલીસ અધિકારીઓ તરફથી આવા હોંશિલા રીલ મેકરો માટે ચેતવણી ઉચ્ચારવામાં આવી છે કે ‘એક્સપ્રેસ-વે વાહનો માટે છે, વાયરલ વીડિયો માટે નહીં. તમારામાં ધરબાયેલી કટરિના કૈફને દુનિયા સમક્ષ પેશ કરવી હોય તો રીલ ટેરેસ પર બનાવો, ટ્રાફિકમાં નહીં.’
ફૂલના ડ્રેસનો વિશ્વવિક્રમ
વિક્રમ તોડવા માટે જ હોય છે એ ઉક્તિનું સમર્થન કરતા અનેક પ્રસંગો દુનિયાભરમાં ઠેકઠેકાણે વિવિધ ક્ષેત્રમાં જોવા મળે છે. જોકે, ખેલકૂદ સિવાય બીજી કોઈ બાબતના વિક્રમ તૂટે કે રચાય ત્યારે કુતૂહલનું કે આશ્ચર્યનું પ્રમાણ જરા વધારે જ હોય છે. પ્રવીણ જોશી-મધુ રાયની ફૂલ વેચવાવાળી ‘સંતુ રંગીલી’ની યાદ આવી જાય એવી રોમાનિયાની ફ્લોરિસ્ટએ તૈયાર કરેલો એક ડ્રેસ નવો વિશ્વ વિક્રમ સ્થાપવામાં સફળ રહ્યો છે.
આશા, પુનર્જન્મ અને નવી શરૂઆતનું પ્રતીક ગણાતા પાંચ હજાર સ્નોડ્રોપ ફૂલની મદદથી તૈયાર કરવામાં આવેલા ડ્રેસને આ પ્રકારના ફૂલમાંથી તૈયાર કરાયેલા વિશ્વના પ્રથમ ડ્રેસનું બહુમાન મળ્યું છે. આ વર્લ્ડ રેકોર્ડની ચર્ચામાં કેટલાક વર્ષ પહેલા સેબેસ્ટિયન નામના ફોરેનરે લાંબી કાકડી ઉગાડવાના ગિનિસ વર્લ્ડ રેકોર્ડનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમના ઘરના બગીચામાં વાવેલી વાર્તાની રાજકુમારીની જેમ દિવસે ન વધે એટલી રાતે વધી જોતજોતામાં ત્રણ ફૂટ અને 8.6 ઈંચ લાંબી થઈ ગઈ. આ લંબાઈ અગાઉની સૌથી લાંબી કાકડી કરતા અઢી ઈંચ વધુ લાંબી હતી. લાંબી કાકડી ખાવામાં મજા આવતી હશે, પણ એ ઉગાડવી એ ખાવાના ખેલ નથી.
લ્યો કરો વાત!
એક નૂર આદમી હજાર નૂર કપડાં એ મોડર્ન જનરેશનની લાઈફસ્ટાઈલનો મંત્ર છે. કેઝ્યુઅલ વેર, ઓફિસ વેર, પાર્ટી વેર, ફેસ્ટિવલ વેર... અને અન્ય કેટલાક પ્રસંગ માટે પણ કપડાં પસંદ કરી ખરીદવામાં આવે છે. ઓફિસમાં પણ દિવાળી હોય ત્યારે પરંપરાગત ભારતીય પહેરવેશ અને ક્રિસમસ હોય તો લેટેસ્ટ ટ્રેન્ડના ક્લોથ્સ અને કોઈ ફંક્શન કે ઈવેન્ટ હોય તો ડ્રેસકોડ અનુસાર કપડાં પહેરવાના એ વણલખ્યો નિયમ છે.
ઉત્તર પ્રદેશની એક પ્રાઈવેટ કંપનીએ ફતવો કાઢ્યો કે દર શુક્રવારે કર્મચારીઓએ પારંપરિક વસ્ત્રો પહેરીને આવવાનું અને જો એમાં ચૂક થઈ તો 100 રૂપિયાનો ફાઈન ભરવાનો. મેનેજમેન્ટ કક્ષાની વ્યક્તિ માટે દંડની રકમ 500 રૂપિયા છે. મેઈલથી આ જાણકારી મળતા કર્મચારીગણ અસ્વસ્થ થઈ ગયો છે. જોકે, એચઆર ડિપાર્ટમેન્ટના આ હુકમનો અનાદર કરવાની હિંમત કોઈનામાં નથી.