પ્રફુલ શાહ
સ્કૅમ, કૌભાંડ, સ્કૅન્ડલ કે ષડયંત્ર એટલે ગેરકાયદે અનૈતિક, વધુ પડતાં લાભ-મેળવવાનો કારસો. ટોચના, વગદાર નેતાઓ કે અમલદારોની સંડોવણી વગર એ ન થઇ શકે, પરંતુ ભારતીય રાજકારણમાં સેંટ કિટ્સ કૌભાંડ એકદમ અનોખું છે. આમાં નહોતો સરકાર કે પ્રજાને એક રૂપિયાનો ફટકો પડ્યો હતો કે નહોતું કોઇ લાભ ખાટી ગયા હતા. જોકે આ કૌભાંડ પાછળ આર્થિક લાલચ નહીં કંઇક અલગ જ ટાર્ગેટ હતું. કહી શકાય કે કૌભાંડકારો એમાં સફળ થયા અને અસફળ પણ.
થોડીક માંડીને વાત કરીએ. સૌથી પહેલા સમજીએ કે કૌભાંડ સાથે કેમ સેંટ કિટ્સનું નામ જોડાયેલું છે? સેંટ કિટ્સ એક કેરેબિયન ટાપુનું નામ છે. કેરેબિયન દેશ સેંટ કિટ્સ અને નેવીસ બે ટાપુનો બનેલો છે. આમાં મોટો ટાપુ એટલે સેંટ કિટ્સ જે જવાળામુખીએ રચેલા નયનરમ્ય લેન્ડસ્કેપ, દરિયા કિનારા અને એના ઐતિહાસિક પાટનગર બાસેટેરે માટે જાણીતો છે. પર્યટન શોખીનો સેંટ કિટ્સ વિશે જાણે પણ એ સિવાય એ બહુ લોકપ્રિય નહીં, પરંતુ આ નામે ભારતીય રાજકારણમાં ધરતીકંપ સજર્યો હતો. એ પણ એવો આંચકો કે જેની કોઇએ કલ્પના કરી નહોતી.
ભારતીય રાજકારણમાં કૉંગ્રેસ વિરોધી માહોલ વધી રહ્યો હતો. એ કાંડને પ્રતાપે કૉંગ્રેસ જ નહીં, રાજીવ ગાંધીની ઇમેજ પર પણ ડાઘ લાગી ગયા હતા. રાજીવ ગાંધીની જ સરકારમાં નાણાં પ્રધાન રહી ચૂકેલા વિશ્વનાથ પ્રતાપસિંહ ભ્રષ્ટાચાર વિરોધી ચહેરા તરીકે આવ્યા હતા. દેશી પોલિટિકસમાં ઇમાનદારી અને નૈતિકતાનું જોશ વધતું અનુભવાયું હતું. અનેક ગતકડાં છતાં કૉંગ્રેસ એકદમ બેકફૂટ પર આવી ગઇ હતી. રાજાસાબ તરીકે ઓળખાતા વી. પી. સિંહ બોફર્સકાંડ તપાસનું પ્રતીક હતા. લોકોમાં તેમના પ્રતિ અનહદ માન-સન્માન હતા. મોટા ભાગના મીડિયાવાળા પણ એવા મૂડમાં હતા, અલબત્ત અમુક અપવાદ ખરા જ.
આની વચ્ચે આવ્યો 1989ની 20મી ઓગસ્ટનો દિવસ. કુવૈત શહેરમાં ગરમ-સૂકી બપોરે ‘આરબ ટાઇમ્સ’ના ન્યૂઝ રૂમમાં કોઇ સિનિયર પત્રકારે એક સ્ટોરી-સ્કૂપનો આઇડિયાનાં પેપર્સ રજૂ કર્યાં. આ બ્રેકિંગ ન્યૂઝ પેટ્રોલિયમ પેદાશની ડિમાન્ડ-સપ્લાય કે ભાવ વિશે નહોતા. યુદ્ધની શકયતા વિશેય નહીં. છતાં આ ન્યૂઝ દૂરદૂર દરિયા પાર પણ વમળો સર્જવાનાં હતાં.
આ બ્રેકિંગ ન્યૂઝ થકી ભારતના એક ઊભરતા રાજકારણની ધોળીધબ્બ ઇમેજ પર કોલસા અને ડામરથી વધુ કાળા ધબ્બા લાગવાના હતા. હા, એ સ્કૂપ મુજબ ભારતીય રાજકારણમાં જેમનો રથ જમીનથી બે વેંત ઊંચો ચાલતા હતા તેવા વી. પી. સિંહના હાથ પણ ભ્રષ્ટાચારમાં ખૂંપેલા હતા. સ્ટોરી એવી હતી કે આખા ભારતમાં પ્રામાણિકતા- નૈતિકતાના વિકલ્પ મનાતા વી. પી. સિંહે ગુપ્તપણે કેરેબિયન ટાપુ સેંટ કિટ્સની બૅન્કમાં 70 કરોડ રૂપિયા (એ સમયના રૂ. 1 કરોડ અમેરિકન ડૉલર) ધરાવે છે.
આ બૅન્ક ખાતું તેમના પુત્ર અજયસિંહના નામે હતું એવું ય પર્દાફાશ થયું. અજયસિંહનું ‘ફર્સ્ટ ટ્રસ્ટ કોર્પોરેશન લિમિટેડ બૅન્કમાં ખાતું હતું. આ ખાતામાં અજયસિંહે બેનિફિશયરી તરીકે વી. પી. સિંહનું નામ રાખ્યું હોવાનું ય બહાર આવ્યું હતું. 1963માં જન્મેલા અજયસિંહની ઉંમર એ વખતે માંડ 26 વર્ષની હતી. માંડ ભણતર થયું હોય અને પ્રોફેશનલ કરિઅરની શરૂઆત થઇ હોય. સ્વાભાવિક છે કે અજયની કમાણી કે બચત આટલી તોતિંગ ના જ હોય. આનું સીધું નિષ્કર્ષ એ નીકળે કે વી.પી.સિંહે રાજકારણી તરીકે ભ્રષ્ટાચાર કર્યો હતો અને એ કાળી કમાણી છેક સેંટ કિટ્સની બૅન્કમાં દીકરાની નામે ખોલેલા ખાતામાં સંતાડી હતી.
‘આરબ ટાઇમ્સ’નું આ દસ્તાવેજી પુરાવા સાથે વિસ્ફોટક સ્કૂપ 48 કલાકમાં દિલ્હીમાં ગાજવા માંડયા. દિલ્હીના મીડિયા હાઉસમાં આ સ્કૂપને ધોધમાર વરસાદ વચ્ચે ઓચિંતી મળી ગયેલી ગરમ કાંદા ભજિયા-મસાલા ચાની મિજબાનીની જેમ ઝિલી લેવાયું. અખબારી હેડલાઇન્સ ચીસાચીસ કરવા માંડી. જાણે રાષ્ટ્ર સાથે દોષ થયો હતો. વી. પી. સિંહના વિરાધીઓને દારૂગોળો મળી ગયો. કોઇક બોલી ઉઠયું કે ઇમાનદાર આદમીના નખમાં મેલ-ગંદકી છે.
ગઇ કાલ સુધી ભ્રષ્ટાચાર-કૌભાંડની બૂમાબૂમ કરનારા વી. પી. સિંહ હવે શંકાનો તપાસનો મુદ્દો બની ગયા. વ્હીસલબ્લોઅર રાતોરાત આરોપી બની ગયા.જાણે દેશ આખાનું ભ્રમનિરસન થઇ ગયું. 26મી ઓગસ્ટ સુધી આ સ્ટોરી એક-એક અખબાર નહીં, દરેક માણસ સુધી પહોંચી ગઇ. શું આવું થઇ શકે ખરું.?
વિશ્વનાથ પ્રતાપસિંહે આ આરોપોને સ્પષ્ટ રદિયો આપવા જાહેર કર્યું કે આમાં એક અંશની પણ સચ્ચાઇ નથી. આરોપો વાદળોની જેમ ગરજતાં રહે પણ રદિયાને બોદા બચાવવા તરીકે જોવાની પરંપરા છે. અધૂરામાં પૂરું એ ખૂબ મહત્ત્વનો કટોકટીભર્યો અને અણીનો સમય હતો.
લોકસભાની ચૂંટણી માંડ ત્રણેક મહિના દૂર હતી. વી. પી. સિંહે તલવારની ધાર પર ચાલવાનું હતું, જીવતા રહેવાનું હતું અને લોહીલુહાણ ન થવાનો પ્રયાસ પણ કરવાનો હતો.
સરકાર અને કૉંગ્રેસ વિરુદ્ધ પડેલા વી.પી.સિંહને સીધાદોર કરીને ખૂણામાં ફગાવી દેવાનો આવો સોનેરી મોકો સ્થાપિત હિતો ચૂકે ખરા? બોફોર્સ કાંડમાં ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા રાજીવ ગાંધી હજી વડા પ્રધાન હતા. આ બોફોર્સ મામલે હોબાળો મચાવવા, પોતાની કફની વધુ ઉજળી હોવાનો દાવા સાથે સરકાર છોડનારા વી.પી. સિંહ હવે બરાબરના ફસાયા હતા.
26મી સપ્ટેમ્બરે ઇ. ડી. (એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટે) એ આ વિદેશી બૅન્ક ખાતા પાછળનું સત્ય શોધી કાઢવાની તપાસ કામગીરી ડેપ્યુટી ડિરેક્ટર એ. એન. પાંડેને સોંપી. પાંડેજીએ કામગીરીને એકદમ નિષ્ઠા અને કાર્યક્ષમતાથી હાથ ધરી. તેઓ સેંટ કિટ્સથી લઇને અમેરિકા સુધી ફરી વળ્યા.
ભારતીય રાજકારણીઓ, દેશ, મીડિયા, વી. પી. સિંહના સમર્થકો અને વિરોધીઓ આતુરતાપૂર્વક રાહ જોતા હતા કે પાંડેજીના પટારામાંથી શું નીકળશે? સિંહ કે શિયાળ. (ક્રમશ:)