મુંબઈમાં બે ઉમેદવારની અરજી મળી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારીપત્રોના વિતરણના બીજે દિવસે મુંબઈમાં 2,844 અને થાણેમાં 1,001 ઉમેદવારીપત્રોનું વિતરણ કરાયું હતું. જોકે બીજા જ દિવસથી ઉમેદવારોની અરજી આવવાનું પણ શરૂ થયું હોઈ મુંબઈની ચૂંટણી અધિકારી કચેરીને બુધવારે બે અરજી મળી હતી.
મહાપાલિકાની ચૂંટણી જાહેર થયા પછી મંગળવારથી ઉમેદવારીપત્રો આપવાનું શરૂ કરાયું હતું. મુંબઈમાં ઉમેદવારીપત્રો લેવા અને ભરવા માટે 23 ચૂંટણી અધિકારી કચેરી કાર્યરત કરાઈ છે. આ કચેરીઓમાંથી મંગળવારના પહેલા દિવસે 4,165 ઉમેદવારીપત્રો વિતરીત થયા હતા, પરંતુ એકેય ફોર્મ ભરવામાં આવ્યું નહોતું. બુધવારે બીજે દિવસે 2,844 ઉમેદવારીપત્રોનું વિતરણ કરાયું હતું, જેની સામે કે ઈસ્ટ અને કે વેસ્ટ કચેરીમાં એક અને એન વૉર્ડની કચેરીમાં એક અરજી પ્રાપ્ત થઈ હતી. એટલે કે અત્યાર સુધીમાં બે ઉમેદવારે તેમની અરજી દાખલ કરી છે.
ગુરુવાર, 25 ડિસેમ્બરે નાતાલની રજા હોવાથી ઉમેદવારીપત્રોનું વિતરણ બંધ રાખવામાં આવ્યું છે.
બુધવારે થાણેમાં પણ ઇચ્છુક ઉમેદવારોએ ઉમેદવારીપત્રો લેવામાં ઘણો રસ દાખવ્યો હતો. થાણેમાં 1,001 ઉમેદવારીપત્રોનું વિતરણ થયું હતું, પણ એકેય ઉમેદવારે અરજી દાખલ કરી નહોતી.