ઢાકાઃ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મોત તથા અનેક લોકો ઘાયલ થયા છે. ઢાકાના મોગબજારમાં કેટલાક અજાણ્યા લોકોએ બોમ્બ બ્લાસ્ટ કર્યા બાદ ફરાર થઈ ગયા હતા. મૃતકની સિયામ તરીકે ઓળખ થઈ છે. સ્થાનિકોનું કહેવું છે કે, બ્રિજ ઉપરથી અજાણ્યા શખસ દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યો હતો.
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં થયો બોમ્બ બ્લાસ્ટ
મહત્વની વાત એ છે કે બાંગ્લાદેશની મોટી પાર્ટી બીએનપીના કાર્યકારી અધ્યક્ષ તારિક રહેમાનની ઘર વાપસી થઈ રહી છે તેના એક દિવસ પહેલા બોમ્બ બ્લાસ્ટ થવો એ હકીકત દર્શાવે છે કે, સ્થિતિ કેટલી ગંભીર છે? ઢાકામાં જાહેરમાં કોઈ બોમ્બ ફેંકીને ફરાર થઈ જાય તે બાંગ્લાદેશની સુરક્ષા વ્યવસ્થા પર મોટો સવાલ કરે છે.
આ બ્લાસ્ટમાં સિયામ નામની વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. હોસ્પિટલ લઈ જવામાં આવે તે પહેલા જ તેનું મોત થયું ગયું હતું. સિયામના પરિવારજનોનું કહેવું છે કે સિયામ એક ખાનગી કારખાનામાં કામ કરતો હતો. બ્લાસ્ટ થયો તે દરમિયાન તે આ જ વિસ્તારમાં ફરી રહ્યો હતો. પહેલા મૃતકની ઓળખ થઈ શકી નહોતી, પરંતુ બાદમાં તેના પરિવારજનોએ ઓળખ કરી લીધી હતી. અત્યારે સુરક્ષા એજન્સી દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. .
બ્લાસ્ટને કારણે લોકોમાં ભયનો માહોલ
આ બ્લાસ્ટ કોના દ્વારા કરવામાં આવ્યો અને તેમનો શું હેતું હતું તે દિશામાં પણ સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા આ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. જો કે, જાહેરમાં બ્લાસ્ટ થયો હોવાના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. બોમ્બ ફેંક્યા પછી બદમાશો તરત જ ભાગી ગયા હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
આ બોમ્બ શા માટે ફેક્યો તે મામલે હજી ચોક્કસ કોઈ જાણકારી મળી નથી, પરંતુ આવતીકાલે બીએનપીના કાર્યકારી અધ્યક્ષ તારિક રહેમાન આવી રહ્યાં છે, તે દિશામાં ધ્યાન ખેંચાઈ રહ્યું છે. જો કે, બોમ્બ બ્લાસ્ટ મામલે સરકાર કે પોલીસ તંત્ર દ્વારા હજી સત્તાવાર રીતે કોઈ જાણકારી આપવામાં આવી નથી.