અમૂલ દવે
બાંગ્લાદેશમાં હાલમાં ફાટી નીકળેલી હિંસા અને અરાજકતાએ દક્ષિણ એશિયાના ભૂ-રાજકીય સમીકરણોને હચમચાવી દીધાં છે. 18 ડિસેમ્બરે સિંગાપુરમાં યુવા નેતા શરીફ ઓસ્માન હાદીના મૃત્યુના સમાચાર આવતા જ આખું બાંગ્લાદેશ સળગી ઉઠ્યું છે. 32 વર્ષીય હાદી 2024ના વિદ્યાર્થી આંદોલનના તેજાબી વક્તા અને ઇન્કિલાબ મંચનો પ્રવક્તા હતો, તેના પર 12 ડિસેમ્બરે ઢાકામાં જીવલેણ હુમલો થયો હતો. તેના મોતને પગલે ઢાકાની સડકો પર હજારો લોકો ઊતરી આવ્યા છે અને સ્થિતિ કાબૂ બહાર ચાલી ગઈ.
મુહમ્મદ યુનુસની વચગાળાની સરકારે 20 ડિસેમ્બરને રાષ્ટ્રીય શોક દિવસ જાહેર કર્યો હોવા છતાં પ્રદર્શનકારીઓનો ગુસ્સો શાંત થવાનું નામ ન લીધું. આ અરાજકતા માત્ર રાજકીય અસ્થિરતા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે ભયાનક રીતે ભારત-વિરોધી અને હિન્દુ-વિરોધી હિંસામાં ફેરવાઈ ગઈ છે, જેની પાછળ પાકિસ્તાન અને ચીનની મેલી મુરાદ સ્પષ્ટપણે દેખાઈ રહી છે.
હાદીના મૃત્યુ બાદ ફાટી નીકળેલી હિંસાની સૌથી વધુ અસર લઘુમતી હિન્દુ સમુદાય અને ભારત સાથેના સંબંધો પર પડી છે. મયમનસિંહમાં દીપુ ચંદ્ર દાસ નામના હિન્દુ યુવકની નિર્મમ હત્યા અને તેના મૃતદેહને જાહેરમાં સળગાવી દેવાની ઘટનાએ માનવતાને શરમાવી દીધી છે. કટ્ટરપંથી તત્ત્વો દ્વારા હિન્દુ મંદિરો અને મિલકતોને નિશાન બનાવવામાં આવી રહી છે.
વિરોધ પ્રદર્શન દરમિયાન ‘ઇન્ડિયા આઉટ’ અને ‘દિલ્હી નહીં ઢાકા’ જેવા ઉગ્ર નારાઓ ગુંજતા રહ્યા.. ઢાકા અને ચટ્ટગ્રામમાં ભારતીય હાઈ કમિશન પર થયેલા હુમલાઓએ રાજદ્વારી સંબંધોને તળિયે લાવી દીધા છે. પ્રદર્શનકારીઓ આક્ષેપ કરી રહ્યા છે કે હાદીના હત્યારાઓ ભારતમાં છુપાયા છે. આ આક્ષેપ સંપૂર્ણપણે પાયાવિહોણો છે, આ બનાવનો ઉપયોગ કરીને સ્થાનિક જનતાને ભારત વિરુદ્ધ ઉશ્કેરવામાં આવી રહી છે. બાંગ્લાદેશમાં સ્થિત ભારતીય વિઝા કેન્દ્રો અસ્થાયી ધોરણે બંધ કરી દેવા પડ્યા છે અને આ દર્શાવે છે કે સ્થિતિ કેટલી ગંભીર છે.
આ સમગ્ર ઘટનાક્રમમાં પાકિસ્તાન અને ચીનની ભૂમિકા અત્યંત શંકાસ્પદ અને ભારત માટે જોખમી છે. વર્ષ 2025માં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ચીન વચ્ચે બનેલું નવું ત્રિપુટી ગઠબંધન ભારતને દક્ષિણ એશિયામાં એકલવાયું પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચીન તીસ્તા નદી પર ‘તીસ્તા રિવર કોમ્પ્રિહેન્સિવ મેનેજમેન્ટ પ્રોજેક્ટ’ દ્વારા કરોડો ડૉલરનું રોકાણ કરીને બાંગ્લાદેશના જળ સંસાધનો પર કબજો જમાવી રહ્યું છે.
બીજી તરફ, પાકિસ્તાન બાંગ્લાદેશી સેના અને કટ્ટરપંથી જૂથો સાથે સંરક્ષણ સહયોગ વધારી રહ્યું છે. આ બન્ને દેશ હાદી જેવા નેતાઓના મૃત્યુથી પેદા થયેલા શૂન્યાવકાશનો ઉપયોગ ભારત-વિરોધી લાગણીને ભડકાવી રહ્યા છે. ‘ગ્રેટર બાંગ્લાદેશ’ની ખતરનાક વિચારધારાને પ્રોત્સાહન આપીને ભારતના ઈશાન રાજ્યો (સેવન સિસ્ટર્સ) ને અસ્થિર કરવાનું મોટું ષડયંત્ર રચાઈ રહ્યું હોય તેવું આ એંધાણ અત્યારે વર્તાઈ રહ્યું છે.
તીસ્તા નદીના પાણીના વિભાજનનો જૂનો વિવાદ આ આગમાં ઘી હોમવાનું કામ કરી રહ્યો છે. વર્તમાન સીઝનમાં નદીમાં પાણીની અછતને કારણે બાંગ્લાદેશના ઉત્તરી વિસ્તારોમાં ખેતી પ્રભાવિત થઈ છે. યુનુસ સરકાર આ કુદરતી અને તકનીકી મુદ્દાને ભારતની ‘જળ-દાદાગીરી’ તરીકે રજૂ કરી રહી છે. મુહમ્મદ યુનુસ દ્વારા આ વિવાદને શેખ હસીનાના પ્રત્યાર્પણ સાથે જોડવાની રમત ભારત માટે કસોટી સમાન છે.
ભારત એક તરફ માનવીય દૃષ્ટિકોણથી પાણી આપવા તૈયાર છે, પરંતુ પડોશી દેશમાં ભારત-વિરોધી ઝેર ફેલાવનારાં તત્ત્વોની હાજરીને કારણે કોઈપણ કરાર કરવો જોખમી બની ગયો છે. ચીનની એન્ટ્રીએ આ વિવાદને વધુ જટિલ બનાવ્યો છે, કારણ કે તે તીસ્તા પ્રોજેક્ટ દ્વારા ભારતની સરહદની અત્યંત નજીક પોતાની હાજરી મજબૂત કરવા માગે છે.
ભારત માટે આ પરિસ્થિતિ 1971 પછીનો સૌથી મોટો સુરક્ષા પડકાર છે. ભારતે હવે રક્ષણાત્મક અભિગમ છોડીને વ્યૂહાત્મક આક્રમકતા બતાવવાની જરૂર છે. સરહદ પર બીએસએફની કડક ચોકીબંધી અને ડ્રોન સર્વેલન્સ વધારવું અનિવાર્ય છે, જેથી ઘૂસણખોરી રોકી શકાય. કૂટનીતિક સ્તરે, ભારતે સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય મંચો પર બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુઓના નરસંહાર અને ભારતીય દૂતાવાસ પરના હુમલાનો મુદ્દો જોરશોરથી ઉઠાવવો જોઈએ.
જો બાંગ્લાદેશ ચીન અને પાકિસ્તાનના રસ્તે ચાલશે, તો ભારતે આર્થિક પ્રતિબંધો અને વેપાર અટકાવવા જેવા કડક પગલાં લેવા અંગે પણ વિચારવું પડશે. બાંગ્લાદેશમાં લોકશાહીની પુન:સ્થાપના અને લઘુમતીઓની સુરક્ષા માટે ભારતનો પ્રભાવ મહત્ત્વપૂર્ણ છે, પરંતુ અત્યારે બાંગ્લાદેશ જે અરાજકતાના માર્ગે છે જો તેને રોકવામાં નહીં આવે તો તેની અસર આખા દક્ષિણ એશિયાની શાંતિ પર પડશે.