Mon Dec 22 2025

Logo

White Logo

અનુપમ ખેર અને કરીના કપૂરની મુલાકાત: : 25 વર્ષ જૂની યાદો તાજી કરી ખેર થયા ભાવુક, શું લખ્યું?

1 day ago
Author: Mumbai Samachar Team
Video

anupam kher kareena kapoor khan


મુંબઈ: મનોરંજન જગતના મોટા પડદાના દિગ્ગજ કલાકારો જ્યારે એક ફ્રેમમાં જોવા મળે છે, ત્યારે ચાહોકોના ઉત્સાહમાં વધારો થાય છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર બોલીવુડના 'મેરાથોન મેન' ગણાતા અનુપમ ખેર અને ગ્લેમર ક્વીન બેબો એટલે કે કરીના કપૂર ખાનની તસવીરોએ ધૂમ મચાવી છે. અનુપમ ખેરે આ મોમેન્ટ્સને કેમેરામાં કેદ કરીને પોતાના ચાહકો સાથે શેર કરી છે. 

અનુપમ ખેરે ઇન્સ્ટાગ્રામ પર કરીના સાથેની સુંદર તસવીરો શેર કરતા યાદ કર્યું કે કેવી રીતે તેઓ કરીનાને પ્રથમ વખત વર્ષ 2000માં જે.પી. દત્તાની ફિલ્મ 'રિફ્યુજી'ના સેટ પર મળ્યા હતા. તે કરીનાની ડેબ્યૂ ફિલ્મ હતી. ખેરે લખ્યું કે, તે સમયે પણ કરીના અત્યંત આત્મવિશ્વાસ ભરપૂર અને સફળ થવા આતુર હતી. આજે 25 વર્ષ બાદ પણ તેનામાં એ જ ઉત્સુકતા અને કામ પ્રત્યેનો પ્રેમ જોવા મળે છે.

અનુપમ ખેરે પોતાની પોસ્ટમાં કરીનાના વ્યક્તિત્વના ભારોભાર વખાણ કર્યા છે. તેણે જણાવ્યું કે, ફ્લાઇટ દરમિયાન બંનેએ જૂની યાદો અને ફિલ્મી સફર વિશે ઘણી વાતો કરી. અનુપમ ખેરે લખ્યું હતું કે કરીના એક શાનદાર અભિનેત્રી હોવાની સાથે સાથે ખૂબ જ સાચી અને સ્પષ્ટવક્તા વ્યક્તિ છે. તેણે રમૂજમાં કરતા ઉમેર્યું કે કરીનાના મતે અનુપમ ખેર આજે પણ 25 વર્ષ પહેલા જેવા જ દેખાય છે! આ પોસ્ટના અંતે તેમણે કરીના અને તેના પરિવારના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.

અભિનયના ક્ષેત્રમાં દાયકાઓ વિતાવ્યા બાદ અનુપમ ખેર હવે દિગ્દર્શનમાં પણ હાથ અજમાવી રહ્યા છે. તેના ડાયરેક્શનમાં બીજી ફિલ્મ 'તન્વી ધ ગ્રેટ' નું કામ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મની વાર્તા ભારતીય સેના અને ઓટિઝમ જેવા સંવેદનશીલ વિષય પર આધારિત છે, જેમાં ડેબ્યુ કલાકાર શુભાંગી દત્ત મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મ એક બાળકી અને તેના પરિવારના સંઘર્ષની વાત કરે છે.

બીજી તરફ કરીના કપૂર ખાન પણ પોતાના આગામી પ્રોજેક્ટ્સને લઈને ચર્ચામાં છે. તે ટૂંક સમયમાં જાણીતા ડિરેક્ટર મેઘના ગુલઝારની ફિલ્મ 'દાયરા'માં જોવા મળશે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા મેઘના ગુલઝારના જણાવ્યા અનુસાર આ ફિલ્મ સમાજ અને આપણી સંસ્થાઓ પર ગંભીર પ્રશ્નો ઉઠાવશે અને દર્શકોને વિચારતા કરી મૂકશે. આમ, બંને કલાકારો આજે પણ બોલિવૂડમાં એટલા જ સક્રિય અને ઉત્સાહી છે.