Mon Dec 22 2025

Logo

White Logo

ગુજરાતમાં કિંજલ દવેની સગાઈનો વિવાદ ઉગ્ર બન્યો, : બ્રહ્મસમાજના અગ્રણીઓ કિંજલ દવેના સમર્થનમાં આવ્યા...

5 days ago
Author: Chandrakant Kanoja
Video

અમદાવાદ:  ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવેની સગાઈ વિવાદને મુદ્દે અનેક મહાનુભાવો દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. જેમાં 6 ડિસેમ્બરે કિંજલ દવેએ ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી હતી. જેની બાદ કાંકરેજના શિહોરી ખાતે પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજની એક બેઠકમાં કિંજલ દવેના પરિવારને નાત બહાર મુકવાનો નિર્ણય લેવાયો હતો. જે મુદ્દે કિંજલ દવે સોશિયલ મીડિયા પર આ નિર્ણયને ખોટો ગણાવીને સમાજની ઝાટકણી કાઢી હતી. તેમજ કાયદેસરના પગલા લેવાની ચીમકી પણ આપી હતી. 

બંધારણ આ વાતને સમર્થન નથી આપતું :   ભરત રાજગોર

જોકે, આ મુદ્દે બ્રહ્મ સમાજના અનેક અગ્રણીઓ કિંજલ દવેના સમર્થન આવ્યા છે. તેમજ આ પ્રકારના નિર્ણયનો વિરોધ કર્યો છે. જેમાં સમસ્ત રાજગોર સમાજ ઉપ પ્રમુખ અને પત્રકાર ભરત રાજગોરએ મુંબઈ સમાચાર સાથે વાતચીત કરતા પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આપણે 21 મી સદીમાં જીવી રહ્યા છીએ. આપણે નાત બહાર મુકવાની વાત કરીએ છે ત્યારે બંધારણ આ વાતને સમર્થન નથી આપતું. બંધારણની જોગવાઈ કલમ 348 (3) મુજબ તમે કોઈપણ વ્યક્તિને નાત બહાર મૂકીને  સામાજિક બહિષ્કાર કરી શકો નહી. તેમજ આજે જો કોઈ દિકરી અન્ય જ્ઞાતિમાં લગ્ન કરે તો સરકાર તેને ભેટ આપે છે. ત્યારે નાનકડો સમાજ આ રીતે બહિષ્કાર કેવી રીતે કરી શકે. 

આ કોઈ આંતરિક કલેહ: શોભા બહેન રાવલ 

જયારે બ્રહ્મ સમાજ મહિલા આગેવાન શોભા બહેન રાવલે મુંબઈ સમાચાર સાથે વાતચીત કરતા કિંજલ દવેને સમર્થન આપ્યું હતું. તેમજ કહ્યું હતું કે સમાજે જે પણ નિર્ણય કર્યો છે તે યોગ્ય નથી. તેમજ આપણે માતા,બહેન અને દીકરીને દેવી તરીકેનું સ્થાન આપ્યું છે. આપણે એક બાજુ તેને પૂજીએ છીએ. તેમજ બીજી બાજુ જયારે દીકરી પ્રભુતામાં પગલા પાડવા જઈ રહી છે ત્યારે આ પ્રકારની કનડગત કરવી યોગ્ય નથી. તેમજ સમાજ દ્વારા આ પૂર્વે કોઈ પણ સમયે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો નથી. ત્યારે આ દીકરી માટે જ સામાજિક બહિષ્કાર કરવાનો નિર્ણય કેમ લેવામાં આવ્યો. મને આ લાગે છે કે આ કોઈ આંતરિક કલેહ છે. 

ઔદિચ્ય બ્રહ્મ સમાજે સખત વિરોધ નોંધાવ્યો 

ઉલ્લેખનીય છે કે, આંતરજ્ઞાતિય સગાઈ કરવા કારણે ઔદિચ્ય બ્રહ્મ સમાજે સખત વિરોધ નોંધાવ્યો હતો. કિંજલ દવેએ બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે થોડા દિવસ પહેલા સગાઇ કરી હતી. જે બાદ તેના સમાજે કિંજલ દવે સહિત તેના પરિવારનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો.

પોતાના પરિવારનો બહિષ્કાર કરવાના બ્રહ્મ સમાજના નિર્ણય સામે કિંજલે વીડિયો દ્વારા જવાબ આપ્યો હતો. આ અંગે ઔદિચ્ય બ્રહ્મ સમાજના પ્રમુખ ભૂરાલાલે કહ્યું કે, “આ નિર્ણય કોઈ અસામાજિક તત્વોએ નથી લીધો. આ નિર્ણય કોઈ એક વ્યક્તિનો નથી, પરંતુ વડીલો દ્વારા સમાજની સર્વસંમતિથી લેવાયેલો નિર્ણય છે. કિંજલ દવે એક સેલિબ્રિટી છે, અને જો સમાજની જાણીતી વ્યક્તિ જ બંધારણ વિરુદ્ધ કામ કરશે તો સમાજની બીજી દીકરીઓ પણ તેમાંથી શીખ લઈ બંધારણની ઉપરવટ જશે. આ પરિસ્થિતિ ન સર્જાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોય તેમ મને લાગી રહ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, મુંબઈ સમાચાર આંતરજ્ઞાતિય લગ્ન બાબતે ક્યારેય આ પ્રકારના નિર્ણયને સમર્થન આપતું નથી. સનાતન ધર્મમાં પણ આંતરજ્ઞાતિય લગ્ન સંબંધમાં વિરોધ નથી કરાયો ત્યારે આંતરજ્ઞાતિય લગ્ન મુદ્દે પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજે કરેલો નિર્ણય છે.