મહુવા/બગદાણા: ભાવનગર જિલ્લાના બગદાણાના ગુરુ આશ્રમના સેવક નવનીતભાઈ પર થયેલા હુમલાના પ્રકરણમાં પોલીસ બેડામાં મહત્વની કાર્યવાહી કરવામાં આવી છે. બગદાણા પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.વી. ડાંગરની તાત્કાલિક અસરથી બદલી કરી તેમને 'લીવ રિઝર્વ'માં મૂકી દેવામાં આવ્યા છે. આ હુમલા બાદ કોળી સમાજ દ્વારા પોલીસ તપાસમાં પક્ષપાતનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને જ્યાં સુધી પીઆઈની બદલી ન થાય ત્યાં સુધી તટસ્થ તપાસ શક્ય નથી તેવું જણાવી આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. સમાજના ઉગ્ર વિરોધ અને દબાણને પગલે તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે.
મળતી વિગતો અનુસાર, બે દિવસ અગાઉ ભાવનગરના બગદાણા ગામે રહેતા નવનીતભાઇ બાલધિયાને મોણપર ગામ નજીક બાઈક ઉભું રખાવી બે કારમાં આવેલા આઠ જેટલા અજાણ્યા શખ્સોએ ગંભીર માર મારી હતી અને તેઓ ઈજા પહોંચાડીને ફરાર થઈ ગયા હતા. . ભોગ બનનાર નવનીતભાઈએ ગંભીર આક્ષેપો કરતા મીડિયા સમક્ષ દાવો કર્યો હતો કે લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરનો ફોન આવ્યા બાદ તેમના પર આ હુમલો થયો હતો. આ મામલે પોલીસે મુખ્ય સુત્રધાર નાજુ ધિંગુભાઈ કામળીયાની ધરપકડ કરી હતી અને રાજુ દેવાયતભાઇ ભમ્મર, આતુ ઓઘડભાઇ ભમ્મર, વિરેન્દ્રસિંહ જયરાજસિંહ પરમાર, સતીષ વિજયભાઈ વનાડીયા, ભાવેશ ભગવાનભાઈ શેલાણા, પંકજ માવજીભાઈ મેર અને વિરૂ મધુભાઈ સયડાના પણ ખૂલ્યા હતા. જે મામલે પોલીસે આરોપીઓ ની ધરપકડ કરી હતી.
આ બનાવથી કોળી સમાજમાં ભારે રોષની લાગણી વ્યાપી હતી. ગુરુવારે રાજુલાના ધારાસભ્ય હિરાભાઈ સોલંકી પિડીત નવનીતભાઈની મુલાકાતે આવ્યા હતા. દરમિયાન બગદાણા પોલીસ મથકના મહિલા પી.આઈ. ડી.વી. ડાંગર બદલી કરવામાં આવી હતી અને તેને લીવ રિઝર્વ માં મૂકી દેવાથી આ મુદ્દો વધુ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. તેમજ આ બનાવવાની તપાસ ડીવી ડાંગર પાસેથી લઈ મહુવા ટાઉન પી.આઇ. પટેલને સોંપવામાં આવી હતી.