ટોરેન્ટો/સુરેન્દ્રનગરઃ ગુજરાતીઓ વિદેશમાં જયાં પણ વસે ત્યાં તેમની અનોખી છાપ છોડે છે. સુરેન્દ્રનગરના લીંબડીમાં જન્મેલા ડો. ચંદ્રકાંત શાહને કેનેડાનું સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કરવામાં આવશે. તેમણે તેમની ચાર દાયકાની કારકિર્દીમાં આરોગ્ય સેવા અને જાહેર આરોગ્ય શિક્ષણને નવું સ્વરૂપ આપ્યું છે. ડો. ચંદ્રકાંત શાહને ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ કેનેડાથી નવાજવામાં આવશે.
ભારતના પદ્મ ભૂષણની સમકક્ષ માનવામાં આવે છે આ સન્માન
જેમના યોગદાનથી અન્ય લોકોના જીવનને સમૃદ્ધ બનાવવામાં આવ્યું છે અને રાષ્ટ્રની પ્રગતિમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે તેવા વ્યક્તિઓને ઓર્ડર ઓફ કેનેડા એનાયત કરવામાં આવે છે. આ એવોર્જ જે ભારતના પદ્મ ભૂષણની સમકક્ષ માનવામાં આવે છે. 89 વર્ષીય ડો. શાહ મુખ્યત્વે જાહેર આરોગ્યના ક્ષેત્રમાં તેમના કાર્ય અને કેનેડાના મૂળ નિવાસીઓ માટેના અભિયાનો માટે જાણીતા છે.
ડો. શાહ માટેના પ્રશસ્તિપત્રમાં લખ્યું છે કે, યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોની ડાલા લાના સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના પ્રોફેસર એમિરિટસ ચંદ્રકાંત શાહે દેશભરમાં જાહેર આરોગ્ય શિક્ષણમાં પરિવર્તન લાવ્યું અને તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન સ્વદેશી લોકોના સ્વાસ્થ્ય માટે હિમાયત કરી. તેમણે કેનેડાની નાગરિકતા પરીક્ષામાં સુધારો કર્યો અને દેશની પ્રથમ એન્ડોડ ઈન્ડિજિનસ હેલ્થ ચેર સ્થાપી હતી.
1961માં અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાંથી સ્નાતક થયા
એપ્રિલ 1936માં સુરેન્દ્રનગરના લીંબડીમાં જન્મેલા શાહે 1961માં અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાંથી સ્નાતક થયા બાદ અમેરિકા અને ત્યારબાદ કેનેડા સ્થાયી થયા હતા. તેમણે યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો અને હાર્વર્ડ યુનિવર્સિટીમાં જાહેર આરોગ્ય વિષયમાં નિષ્ણાત તરીકે ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. તેમનું મુખ્ય પુસ્તક, "પબ્લિક હેલ્થ એન્ડ પ્રિવેન્ટિવ મેડિસિન ઇન કેનેડા", આજે પણ દેશભરના મેડિકલ વિદ્યાર્થીઓ માટે પ્રમાણભૂત પાઠ્યપુસ્તક છે.
અમદાવાદમાં રહેતા તેમના પરિવારજનોએ આ સન્માનને પરિવાર માટે ગૌરવની બાબત ગણાવી હતી. તેમણે કહ્યું, તેઓ અમારા પરિવારના પ્રથમ ડોક્ટર છે. તેમના શૈક્ષણિક કદ ઉપરાંત, કેનેડાના મૂળ વતનીઓ માટેની આરોગ્ય યોજનાઓમાં તેમના કાર્યને ખૂબ જ આદર સાથે જોવામાં આવે છે.
આ એવોર્ડ પણ મળી ચૂક્યા છે
ડો. શાહને અગાઉ 'ઓર્ડર ઓફ ઓન્ટારિયો' અને 'આઉટસ્ટેન્ડિંગ ફિઝિશ્યન્સ ઓફ ઓન્ટારિયો' એવોર્ડ મળી ચૂક્યા છે, તેમને માર્ચ મહિનામાં ઓટાવા ખાતે ઔપચારિક રીતે આ સન્માન એનાયત કરવામાં આવશે. તેમના પત્ની અને તેમના એક પુત્ર પણ મેડિકલ પ્રોફેશનલ છે.