Healthy breakfast Tips: શરીરને સ્વસ્થ રાખવા માટે સવારનો નાસ્તો લેવો ખૂબ જરૂરી છે. ડાયેટિશયન પણ સવારના નાસ્તાને સ્કિપ ન કરવાની સલાહ આપતા હોય છે. જોકે, નાસ્તાની પસંદગી પણ યોગ્ય રીતે કરવી જોઈએ. વહેલી સવારે સમોસા, બર્ગર જેવો ભારે નાસ્તો ન કરવો જોઈએ. ત્યારે સવાલ એ થાય કે, સવારના નાસ્તામાં શું ખાવું જોઈએ. તેથી અમે સવારના હેલ્ધી નાસ્તા વિશેની કેટલીક ટિપ્સ લઈને આવ્યા છીએ.
ઈંડામાં હાઈ ક્વોલિટી પ્રોટીન હોય છે. જે શરીરમાં સરળતાથી પચન થઈ જાય છે. ઈંડા ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે. જેથી વારંવાર ભુખ લાગતી નથી. તેથી ઈંડાને ગટ હેલ્થ અને મેટાબોલિઝ્મને સારું બનાવવા માટે નાસ્તા તરીકે શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ જો તમે શાકાહારી હોવ તો સવારના નાસ્તા માટે બીજા પણ ઘણા વિકલ્પો છે.
તમે ગ્રીક યોગર્ટનું સેવન કરી શકો છો. ઈંડાની જેમ ગ્રીક યોગર્ટ પણ પ્રોટીનથી ભરપૂર હોય છે. તેમાં રહેલું પ્રોબાયોટિક્સ ડાઇજેશનને મજબૂત બનાવે છે. પરંતુ ક્યારેય ખાંડ ઉમેરીને ગ્રીક યોગર્ટનું સેવન કરવું જોઈએ નહીં. ગ્રીક યોગર્ટ બાદ શાકાહારી નાસ્તામાં ઓટ્સને સૌથી સારો નાસ્તો ગણવામાં આવે છે. ઓટ્સમાં બીટા-ગ્લૂકાન ફાઇબર હોય છે. જે ગટ હેલ્થ માટે સારું હોય છે અને તે શરીરને લાંબા સમય સુધી એનર્જેટિક રાખે છે.
હેલ્ધી ફેટ અને ફાઈબરથી ભરપૂર એવોકાડો પણ સ્વાસ્થ્ય માટે એક સારું ફળ છે. તેમાંથી એવોકાડો ટોસ્ટ બનાવીને નાસ્તામાં સેવન કરી શકાય છે. જે લોકો પ્લાન્ટ આધારિત ડાયટ કરે છે, તેમના માટે ટોફુ પણ એક સારો વિકલ્પ છે. આ સિવાય તમે સ્મૂધી, પીનટ બટર, ઈડલી-ઢોસાનું પણ નાસ્તામાં સેવન કરી શકો છો.
(ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપેલી તબીબી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. મુંબઈ સમાચાર તેની પુષ્ટી કરતું નથી.)