નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાની ખાપ પંચાયતે સામાજિક શિસ્ત અને પરંપરાગત મૂલ્યોની જાળવણી માટે કેટલાક કડક નિર્ણયો લીધા છે. પંચાયતે પશ્ચિમી પ્રભાવને રોકવા માટે 18 થી 20 વર્ષથી ઓછી ઉંમરના કિશોરો માટે સ્માર્ટફોનનો ઉપયોગ અને છોકરા-છોકરીઓ બંને માટે હાફ-પેન્ટ પહેરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી છે. પંચાયતનું માનવું છે કે સાંસ્કૃતિક મૂલ્યોની સુરક્ષા માટે આ પગલું અત્યંત આવશ્યક છે.
સ્માર્ટફોન પરના પ્રતિબંધ અંગે ખાપ સભ્યોનું કહેવું છે કે નાની ઉંમરે મોબાઈલ આપવાથી બાળકોમાં ખોટી આદતો પડી શકે છે. ખાપ સભ્ય ચૌધરી બ્રજપાલ સિંહે જણાવ્યું હતું કે, બાળકોને વડીલો સાથે બેસીને સામાજિક માર્ગદર્શન મળવું જોઈએ, તેમને આ ઉંમરે ફોનની જરૂર નથી. સ્માર્ટફોનનો ઉપયોગ માત્ર ઘરમાં જ મર્યાદિત રાખવા અને શાળાઓ સિવાયના સમયે તેના પર નિયંત્રણ રાખવા માટે ગ્રામીણ સ્તરે જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવશે.
માત્ર પહેરવેશ અને મોબાઈલ જ નહીં, પરંતુ પંચાયતે લગ્ન સમારોહ માટે પણ નવી ગાઈડલાઈન જાહેર કરી છે. હવેથી લગ્ન પ્રસંગો મેરેજ હોલને બદલે માત્ર ગામમાં કે ઘરે જ આયોજિત કરવા પડશે. લગ્નમાં અતિથિઓની સંખ્યા મર્યાદિત રાખવા અને ખર્ચ પર અંકુશ લાવવા સૂચના અપાઈ છે. આધુનિકતાને સ્વીકારતા પંચાયતે નિર્ણય લીધો છે કે લગ્નના નિમંત્રણો હવે કાગળની કંકોત્રીને બદલે વોટ્સએપ દ્વારા મોકલવામાં આવશે.
સ્થાનિક રહેવાસીઓ દ્વારા આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે અને તેને સમયસરનું યોગ્ય પગલું ગણાવ્યું છે. ખાપ પંચાયતે આ નિયમો માત્ર બાગપત પૂરતા મર્યાદિત ન રાખતા, અન્ય ખાપો સાથે મળીને આખા ઉત્તર પ્રદેશમાં આ અભિયાન ચલાવવાની યોજના બનાવી છે.