Thu Jan 01 2026

Logo

White Logo

બાંગ્લાદેશમાં 'તખ્તાપલટ'ની તૈયારી? : ઈન્કલાબ મંચનો દેશવ્યાપી બંધ અને સરકારને ખુલ્લી ચેતવણી

dhaka   3 days ago
Author: Devayat Khatana
Video

ઢાકા:  બાંગ્લાદેશમાં ફરીથી વિરોધની જ્વાળાઓ ઉઠી છે અને હવે આ આગ વધુ વિકરાળ બની રહી છે. શેખ હસીના સરકારને ઉથલાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર નેતા ઉસ્માન હાદીના મોત બાદ સ્થિતિ વધુ સ્ફોટક બની છે. આજે 'ઈન્કલાબ મંચ' દ્વારા સમગ્ર દેશમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેના કારણે રાજધાની ઢાકા સહિત અનેક શહેરોમાં જનજીવન ઠપ્પ થઈ ગયું છે. સવારથી જ હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને મોહમ્મદ યુનુસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. ઈન્કલાબ મંચના નેતાઓએ યુનુસ સરકારને ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ પૂરી નહીં થાય તો તેઓ ગમે ત્યારે સત્તા પલટી નાખશે.

ઢાકાના શાહબાગ વિસ્તારમાં પ્રદર્શનકારીઓનો મોટો જમાવડો જોવા મળી રહ્યો છે, જ્યાં શુક્રવારથી જ કાર્યકરો ધરણા પર બેઠા છે. ઈન્કલાબ મંચના સભ્યોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આજે અમે શાહબાગમાં છીએ, પણ કાલે મુખ્ય સલાહકારના સત્તાવાર નિવાસસ્થાન 'જમુના' પર અમારો કબજો હશે. સંગઠનના નેતા અલ જબરે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે કડકડતી ઠંડીમાં લોકો રસ્તા પર બેઠા છે છતાં સરકારના પેટનું પાણી પણ હલતું નથી, જેના કારણે જનતાનો વિશ્વાસ આ સરકાર પરથી ઉઠી રહ્યો છે.

વિરોધ પ્રદર્શનમાં મહિલાઓ અને બાળકો પણ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. ઢાકા ઉપરાંત સિલહટ, ચટ્ટૌગ્રામ અને કુશ્તિયામાં પણ દેખાવો તેજ બન્યા છે. પ્રદર્શનકારી નેતાઓએ લશ્કરી છાવણી અને સચિવાલયના રક્ષણ હેઠળ રહેલી સરકારને પડકાર ફેંકતા કહ્યું કે, જો તેઓ ધારત તો ઉસ્માન હાદીની નમાઝ-એ-જનાઝા વખતે જ સરકાર બદલી નાખી હોત. ઉલ્લેખનીય છે કે, ઢાકામાં ગોળી વાગ્યા બાદ સિંગાપોરમાં સારવાર દરમિયાન ઉસ્માન હાદીનું મોત નીપજ્યું હતું, જેનાથી તેમના સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિને જોતાં ફરી એકવાર રાજકીય અસ્થિરતા અને હિંસા વધવાની આશંકા સેવાઈ રહી છે. ઈન્કલાબ મંચના ઉગ્ર વલણને જોતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. સમગ્ર ઢાકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, છતાં પ્રદર્શનકારીઓ પીછેહઠ કરવા તૈયાર નથી.