ઢાકા: બાંગ્લાદેશમાં ઉસ્માન હાદીના મૃત્યુ બાદ સતત હિંસા વધી રહી છે. જેમાં બાંગ્લાદેશના કટ્ટરપંથીઓ સતત હિન્દુઓને નિશાન બનાવી રહ્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ પશ્ચિમ બાંગ્લાદેશના ઝેનૈદાહ જિલ્લામાં કટ્ટરપંથી દ્વારા એક વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હતો. ગોવિંદ બિશ્વાસના વ્યક્તિના હાથમાં પવિત્ર દોરો જોઈને કટ્ટરપંથીઓએ તેને નિશાન બનાવ્યો હતો.
હિન્દુ યુવકને જીવતો સળગાવી દેવાનો હિન્દુઓ દ્વારા વિરોધ
આ દરમિયાન બાંગ્લાદેશમાં હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસને જીવતો સળગાવી દેવાનો હિન્દુઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમજ હિન્દુ સમુદાયના સભ્યોએ ઢાકાના ઢાકેશ્વરી મંદિરમાં એકત્ર થઇ ઘટના અંગે સરકારની ટીકા કરી હતી. લોકોએ દીપુ ચંદ્ર દાસને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.
જમાત-એ-ઇસ્લામના કટ્ટરપંથીઓ ફરી એકવાર સક્રિય
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ જમાત-એ-ઇસ્લામના કટ્ટરપંથીઓ ફરી એકવાર બાંગ્લાદેશમાં સક્રિય થયા છે. કટ્ટરપંથીઓ હિન્દુ સમુદાયના સભ્યોને નિશાન બનાવી રહ્યા છે. આ દરમિયાન બાંગ્લાદેશ પોલીસે જણાવ્યું છે કે સંબંધિત એજન્સીઓ અને ગુપ્તચર વિભાગો હાદીના હત્યારા ફૈઝલ કરીમ મસૂદને શોધવા પ્રયાસ કરી રહ્યા છે. અમારી પાસે ફૈઝલના છેલ્લા સ્થાન વિશે કોઈ ચોક્કસ માહિતી નથી.
ટ્રિબ્યુનલનો ઉપયોગ અવામી લીગ સામે બદલો લેવા કરાયો
આ દરમિયાન એક ઇન્ટરવ્યુમાં બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ આઈસીટી ચુકાદા વિશે જણાવ્યું હતું કે, આ નિર્ણયનો ન્યાય સાથે કોઈ સંબંધ નથી અને તે સંપૂર્ણપણે રાજકીય બદલો લેવાનો કેસ છે. મને મારો બચાવ કરવાનો અથવા મારી પસંદગીનો વકીલ પસંદ કરવાનો અધિકાર આપવામાં નથી આવ્યો.
ટ્રિબ્યુનલનો ઉપયોગ અવામી લીગ સામે બદલો લેવા માટે કરવામાં આવ્યો હતો. જોકે, મેં બાંગ્લાદેશની સંસ્થાઓમાં વિશ્વાસ ગુમાવ્યો નથી. દેશમાં હજુ બંધારણીય પરંપરા મજબૂત છે. જ્યારે કાયદેસર શાસન પુનઃસ્થાપિત થશે અને ન્યાયતંત્ર તેની સ્વતંત્રતા પાછી મેળવશે ત્યારે ન્યાયનો વિજય થશે.
મુજીબુર રહેમાન હોલનું નામ બદલીને ઉસ્માન હાદી હોલ રાખવામાં આવ્યું
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના વિરુદ્ધ હિંસક આંદોલનનું નેતૃત્વ કરનાર વિદ્યાર્થી નેતા ઉસ્માન હાદીનું કદ તેમના મૃત્યુ બાદ બાંગ્લાદેશ રાષ્ટ્રપિતા કહેવાતા બંગબંધુ શેખ મુજીબુર રહેમાન કરતાં પણ વધુ મોટું થઈ ગયું છે. ઢાકા યુનિવર્સિટીના બંગબંધુ શેખ મુજીબુર રહેમાન હોલનું નામ બદલીને શહીદ શરીફ ઉસ્માન હાદી હોલ રાખવામાં આવ્યું છે.