Mon Dec 08 2025

Logo

White Logo

રાપરના જાટાવાડાની બે પિતરાઈ : બહેનોના પાણીના ખાડામાં ડૂબી જતાં મોત

3 days ago
Author: Pooja Shah
Video

અમદાવાદઃ કચ્છના રાપર તાલુકાના જાટાવાડા પાસે ખોદવામાં આવેલા પાણી ભરેલા ખાડામાં ૩૬ કલાક અગાઉ ગરક થઇ ગયેલી દયા નાગજી કોળી (ઉ.વ.૧૨) અને આરતી રાણા કોળી (ઉ.વ.૧૩) નામની બાળકીઓના રેસ્ક્યુ ઓપરેશનના અંતે મૃતદેહ મળી આવતાં પંથકમાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, જાટાવાડાની જીલારવાંઢમાં રહેનારા પારકરા કોળી પરિવારની પિતરાઈ બહેનો ગામ નજીક વરસાદી પાણીથી ભરેલા ખાડામાંથી પાણી ભરવા માટે ઘરેથી નીકળી હતી. ઘણા સમય સુધી બંને પરત ન આવતા પરિવારજનો અને ગ્રામજનોએ બંનેની વ્યાપક શોધખોળ હાથ ધરી હતી. લાપતા બાળકીઓની ભાળ ન મળતાં રાપર અને ભચાઉ પાલિકાના અગ્નિશમન દળને જાણ કરતા આ બંને ટુકડીઓ જાટાવાડા ખાતે દોડી આવી હતી. પાણી ભરેલા ખાડાની ઊંડાઈ વધારે હોવાથી હિટાચી મશીનની મદદ વડે હાઈ ડેફિનેશન કેમેરાથી સજ્જ બોટને બાળકીઓને શોધવા માટે પાણીમાં ઉતારવામાં આવી હતી. લગભગ ૩૬ કલાક બાદ બંને બાળકીઓની ખાડામાંથી લાશ મળી આવતા પરિવારના હૈયાફાટ રૂદનથી વાતાવરણ ગમગીન બન્યું હતુ.

અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છના વાગડ અને મુંદરા પંથકમાં છેવાડાના ગામોમાં ખનિજ ચોરો દ્વારા માટી કાઢવા માટે આ પ્રકારના ઊંડા ખાડા ખોદવામાં આવે છે જેમાં ભરાયેલા વરસાદી પાણી ગામ લોકોના જીવ લઇ રહ્યા છે. અગાઉ મુંદરા તાલુકામાં પણ આ પ્રકારના ખાડામાં ગરક થયેલા બે-ત્રણ લોકોના જીવ લીધા હતા.